વડોદરા:CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા

વડોદરા જિલ્લાના કરજણમાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી મોટી દુર્ઘટના બની છે.  કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલા ટીંબા કંપની નજીક એક સીએનજી પંપ પર અચાનક પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પંપ પર ગેસ પુરાવા આવેલા એક ફોર-વ્હીલર વાહનમાં ગેસ લીકેજ થવાને કારણે આ જોરદાર ધડાકો થયો હતો.

નોંધનિય છે કે, આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારનો મધ્ય અને પાછળનો ભાગ સંપૂર્ણપણે ઉડી ગયો હતો. કારમાં લગાવેલી સીએનજી ટેન્કના બે ટુકડા થઈ ગયા. ટેન્કનો એક ટુકડો પંપ પર જ પડ્યો હતો જ્યારે બીજો ટુકડો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો. આ ગંભીર બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી તેની પાછળ ઉભેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. અચાનક થયેલા આ ધડાકાને કારણે પંપ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

તો બીજી તરફ આ ઘટના બાદ પંપના CNG વિભાગને બંધ કરવામાં આવ્યો છે.કરજણ ફાયરની ટીમે આ મામલે તપાસ શરુ કરી છે. બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને પંપ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સૌથી મોટી રાહતની વાત એ છે કે, જ્યારે કારમાં બ્લાસ્ટ થયો ત્યારે કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતો જેથી જાનહાની ટળી. તમને જણાવી દઈએ કે,  નિયમ મુજબ CNG પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ સામે આવશે કે આખરે આ વિસ્ફોટ થવાનું કારણ શું હતું.                      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *