અમદાવાદમાં ૧૦મી બોસિયા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું થયું ભવ્ય સમાપન

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત 10મી બોસિયા ચેમ્પિયનશિપનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ ચેમ્પિયનશિપમાં દેશના 22 રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં રાષ્ટ્રીય સ્તરે બોસિયા રમત માટે વધતી લોકચાહનાનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળ્યું. આ સ્પર્ધા માત્ર રમત પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેણે દિવ્યાંગ ખેલાડીઓની ક્ષમતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાને રાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરી છે. અનેક ખેલાડીઓ માટે આ ચેમ્પિયનશિપ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય અને પેરાલિમ્પિક સ્તરે પહોંચવાનો માર્ગ બની રહી છે.

તેલંગાણા રાજ્યની યુવતી બી. ઉષા કિરણ એ 10મી સિનિયર બોસિયા ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. 90 ટકા શારીરિક વિકલાંગતા હોવા છતાં ઉષા કિરણની અડગ મહેનત અને આત્મવિશ્વાસે તેમને આ સિદ્ધિ સુધી પહોંચાડ્યા છે, જે આજે લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

બોસિયા રમતની શરૂઆત યુરોપિયન દેશોમાં થઈ હતી અને ત્યારબાદ તેને પેરાલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર સ્થાન મળ્યું. આ રમત ખાસ કરીને એવા ખેલાડીઓ માટે વિકસાવવામાં આવી છે, જેમને ગંભીર શારીરિક અક્ષમતાઓ હોય, જેથી તેઓ પણ સ્પર્ધાત્મક રમતગમતમાં સમાન તક મેળવી શકે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બોસિયા રમત પ્રત્યે રસ વધ્યો છે અને રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપ્સ દ્વારા અનેક નવા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે.

બોસિયા એક ઇન્ડોર પ્રિસીઝન સ્પોર્ટ છે, જેમાં ખેલાડીઓ લાલ અથવા વાદળી રંગના ચામડાના બોલોને નાનો સફેદ બોલ — જૅક બોલ —ની નજીક ફેંકવાનો પ્રયાસ કરે છે. આ રમત વ્યક્તિગત, જોડી અને ટીમ ફોર્મેટમાં રમાય છે.આ રમત શારીરિક શક્તિ પર નહીં પરંતુ રણનીતિ, એકાગ્રતા અને ચોકસાઈ પર આધારિત છે, જેના કારણે દરેક ખેલાડી પોતાની ક્ષમતા પ્રમાણે રમત રમી શકે છે.

સમાપન સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોમાં કર્ણાવતી ક્લબના શ્રી જયેશભાઈ મોદી, શ્રી રાજીવ છાજેર (મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન – આરસી ઇવેન્ટ ઈન્ડિયા લિ.), શ્રી આર.પી. પટેલ (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), શ્રી જસપ્રીત સિંહ (પ્રમુખ – બોકિયા સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા), શ્રી અશોક બેદી (ઉપપ્રમુખ – BSFI), શ્રી કાંતિભાઈ પરમાર (પ્રમુખ – પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત), શ્રી ચંદુભાઈ ભાટી (કમીટી મેમ્બર – પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા) અને સંગઠન સચિવ શ્રીમતી શિખાજી દાદા. મુખ્ય મહેમાનોએ વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા. સ્પર્ધા દરમિયાન સૌથી વધુ મેડલ જીતનાર રાજ્યને ઓવરઓલ ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ પ્રશંસા કરી દિવ્યાંગ પેરા એથ્લેટ્સના સંઘર્ષ, સમર્પણ અને સિદ્ધિઓની પ્રશંસા કરી અને પેરા સ્પોર્ટ્સને વધુ મજબૂત બનાવવા માટે તેમના સતત સમર્થનની ખાતરી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *