20 વર્ષ બાદ ફરીવાર એકસાથે દેખાશે ‘ઠાકરે બ્રધર્સ’, કરશે ગઠબંધનનું એલાન

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણો સામે આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 20 વર્ષ પછી ફરી એક સાથે આવી રહ્યા છે. બંને ઠાકરે ભાઈઓના પક્ષો બીએમસી ચૂંટણીઓ સાથે મળીને લડશે. ઠાકરે ભાઈઓ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરશે.
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કારમી હાર બાદ બીએમસી ચૂંટણીઓને લઈને વિરોધ પક્ષો સક્રિય થઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી માટે હાથ મિલાવ્યા છે.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બંને પક્ષો વચ્ચેના ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરશે. આ પહેલા ઠાકરે બંધુઓ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હતા. ઠાકરે પરિવાર શિવાજી પાર્કમાં એકસાથે પહોંચ્યો હતો.શિવસેના (UBT) પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ઠાકરે બંધુઓના સાથે આવવા પર કહ્યું કે જનતાનું કોઇ કામ થયુ નથી. જનતાના પૈસાની લૂટ થઇ છે. તેમણે રાજકીય માટે સાથે આવી રહ્યાના ઉઠેલા સવાલને ફગાવતા કહ્યુ કે, રાજકારણ તેમના માટે સેવાનું માધ્યમ છે. આ “મહાયુતિ” સંપૂર્ણપણે જુઠી છે. પ્રિયંકા ચતુર્વેદીએ એમ પણ કહ્યું કે મેયર અમારો હશે, મરાઠી જ હશે.
સંજય રાઉતે કહ્યું કે આ એક મોટો દિવસ છે. બાળાસાહેબ ઠાકરેનો આખો પરિવાર એક સાથે આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પારિવારિક જોડાણ છે, પણ આ એક રાજકીય ગઠબંધન છે. આનાથી બીએમસી અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં અમને ઘણો ફાયદો થશે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બીએમસી જીતવા જઈ રહ્યા છે.
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી સાથે આવી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર સહમતી થઇ છે. શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉત શિવતીર્થ ખાતે રાજ ઠાકરેને મળ્યા હતા. ત્યારબાદ રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓએ મોડી સાંજે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.