રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરાવનાર ગેંગસ્ટર હેરી બોક્સર ઝડપાયો:અમેરિકન પોલીસે કસ્ટડીમાં લીધો

લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર હેરી બોક્સરને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમેરિકન એજન્સી ICEએ તેને કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લીધો છે.

હેરી બોક્સર અમેરિકામાં રહીને ગેંગની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. તેના વિરુદ્ધ હત્યા અને ખંડણી સહિતના અનેક ગંભીર કેસ નોંધાયેલા છે.

હેરીએ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત હેરી પર સલમાન ખાન અને કપિલ શર્મા સહિત અન્ય બોલિવૂડ હસ્તીઓને ધમકી આપવાનો પણ આરોપ છે.

આ પહેલાં ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાને પણ અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ બંને ભારતના અનેક ગુનાહિત કેસોમાં વોન્ટેડ છે.

હેરી બોક્સર પર બોલિવૂડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોને ધમકી આપવાનો આરોપ છે. તેમાં મુખ્ય નામ ‘ધુરંધર’ એક્ટર રણવીર સિંહનું છે.

મીડિયા અહેવાલ મુજબ, હેરીએ રણવીરના મેનેજરને વૉઇસ નોટ મોકલીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. રકમ નહીં આપવા પર રણવીર અને તેમના સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવાને પણ હેરી બોક્સરે ધમકી આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કથિત ઑડિયો અનુસાર, સલમાન ખાન સાથેની નિકટતાના કારણે ગુરુ રંધાવાના દિલ્હીસ્થિત એક જિમ પર ગોળીબાર કરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા પણ ગૅંગના નિશાના પર રહ્યા છે. કેનેડામાં તેના કૅફે પર ગોળીબાર થઈ ચૂક્યો છે.

‘ગોલમાલ’ ફેમ તુષાર કપૂરને લૉરેન્સ ગૅંગના સભ્ય હૅરી બૉક્સરના નામે ફોન કરીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા અનુસાર, તુષારે આ અંગે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તપાસ એન્ટી-એક્સટોર્શન સેલ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમે કૉલનું રેકોર્ડિંગ હૅરી બૉક્સરના સત્તાવાર ઑડિયો સૅમ્પલ સાથે સરખાવ્યું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને અવાજો મળતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *