‘તારામાં ડાકણ બેઠી છે’ કહીને તાંત્રિક વિધિના નામે ભૂવાએ આચર્યું હતું ગંદું કામ, 6 મહિના પહેલા યુવતીના મોત બાદ મોટો ખુલાસો

વડોદરા શહેરમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો અને કમકમાટી ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છ મહિના પહેલાં વડોદરાની એક યુવતીએ જિંદગી ટૂંકાવવા કેસમાં મોટો ખુલાસો થયો છે. તાંત્રિક વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કરી, તેને માનસિક ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારનાર નરાધમ ભૂવા ગિરીશ ઉર્ફે બાપુ પરમારની કુંભારવાડા પોલીસે ધરપકડ કરી છે. યુવતીના મોબાઈલ ફોનની FSL તપાસમાં વોટ્સએપ ચેટ દ્વારા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા કેટલાક સમયથી સતત બીમાર રહેતી હતી. દવાથી કોઈ રિકવરી ન આવતાં, પરિવાર અંધશ્રદ્ધામાં સપડાયો હતો અને છ મહિના અગાઉ છાણી રોડ પર રહેતા તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમાર પાસે મદદ માંગવા ગયો હતો.
આ પાખંડી ભૂવાએ પરિવારની મજબૂરી અને ડરનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતી અને તેના પરિવારને ડરાવતા કહ્યું કે ‘તારામાં ડાકણ બેઠી છે’. આ કહેવાતી ડાકણને કાઢવા માટે તાંત્રિક વિધિ કરવાનું નાટક રચવામાં આવ્યું. આ વિધિના બહાને નરાધમ ગિરીશે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને ડરાવી-ધમકાવીને પરિવાર પાસેથી મોટા પ્રમાણમાં નાણાં પણ પડાવ્યા હતા.
વિધિ પૂરી થયા બાદ પણ આ નરાધમ ભૂવો યુવતીનો પીછો છોડતો ન હતો. તે સતત યુવતીને મોબાઈલ પર મેસેજ કરીને હેરાન કરતો હતો. ભૂવાના આ માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને 6 મહિના પહેલાં યુવતીએ અચાનક જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઘટનાથી પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને તેઓ દીકરીના આપઘાતનું કારણ સમજી શક્યા ન હતા. જોકે, પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવતીનો મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યો હતો. મોબાઈલના ડેટા અને વોટ્સએપમાં થયેલી ચેટની તપાસમાં તાંત્રિક ગિરીશ પરમારની કાળી કરતૂતો સામે આવી હતી. ચેટ પરથી સ્પષ્ટ થયું કે ભૂવાના ત્રાસના કારણે જ યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મોબાઈલ ચેટ અને અન્ય પુરાવાઓ સામે આવતાં જ કુંભારવાડા પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા અને છાણી રોડના તાંત્રિક ગિરીશ પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ નરાધમની સઘન પૂછપરછ કરી રહી છે. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે બીમારી કે મુશ્કેલીના સમયમાં અંધશ્રદ્ધામાં દોરાઈને પાખંડી તાંત્રિકોના શરણે જવું કેટલું જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે.