Surat: 18 કિલો ગાંજા સાથે બે વિદ્યાર્થીની ધરપકડ, ઓડિશાથી ગુજરાત ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ

નશાના સોદાગરો પોલીસની નજરમાંથી બચવા માટે નવા-નવા કીમિયા અપનાવે છે. ત્યારે સુરતમાં ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સારોલી પોલીસે ઓડિશાથી આવેલા બે શખસોની ધરપકડ કરી કુલ 18.177 કિલોગ્રામ ગાંજાની જપ્તિ સાથે રૂ. 2.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં એક આરોપી કોલેજના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
સારોલી પોલીસને માહિતી મળી હતી કે ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આધારે કામરેજથી નીકળેલા બંને શંકાસ્પદ શખસો પર નજર રાખી સારોલી-નિયોલ ચોકી પાસે વોચ ગોઠવી બંનેને રોકવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે શકમંદોના થેલાની તપાસ કરી ત્યારે તેમાં પ્રતિબંધિત ગાંજાનો મોટો જથ્થો મળ્યો હતો.
પોલીસે આ કેસમાં બે આરોપી- બિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનને ઝડપી લીધા છે. બંને પાસેથી કુલ 18.177 કિલોગ્રામ ગાંજો, મોબાઈલ ફોન સહિત રૂ. 2.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં ચોંકાવનારું તથ્ય એ છે કે મુખ્ય આરોપી બિકાસ પાડી ઓડિશાની RCM કોલેજમાં T.Y. B.Comનો વિદ્યાર્થી છે. તે હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અગાઉ તે પોતાની ફેમિલી સાથે કતારગામ વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં તેનો મોટો ભાઈ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે.
બીજો આરોપી ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઓડિશાના પતન ખાતે ખેતી કામ કરે છે. બંને બે વર્ષ અગાઉ એક જ કોલેજમાં ભણતા હતા અને ત્યાંથી તેમને મિત્રતા થઈ. બાદમાં બંનેએ મળીને ગાંજાની હેરાફેરી કરી રૂપિયા કમાવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, તેઓ સફળ થાય તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો, Dahod: દાહોદ LCBએ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, જેકોટ ગામ પાસે પીકઅપમાંથી 2.84 લાખનો દારૂ મળ્યો