ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવામાનમાં પલટાતા દિવસ દરમિયાન ગરમી અને મોડી રાત્રે ગુલાબી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં તાપમાન 19.9 ડિગ્રી નોંધાતા સીઝનમાં પ્રથમવાર પારો 20 ડિગ્રીથી નીચે ગગડ્યો છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં દિવસનું તાપમાન 36.8 ડિગ્રી સુધી પહોંચતા આકરી ગરમીનો સામના સાથે તાપમાનમાં તફાવત જોવા મળ્યો છે.
હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર, રાજ્યભરમાં વાતાવરણમાં બેવડી ઋતુની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જતાં ત્યાં શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ, રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે તાપમાન ઘટીને 21.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. આ રીતે દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારા બાદ રાત્રિના સમયે હળવી ઠંડી પ્રસરી જતાં વાતાવરણમાં મોટો તફાવત સર્જાયો છે. મોસમમાં અચાનક આવેલા આ ફેરફારના કારણે લોકો એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુઓનો સાક્ષાત્કાર કરી રહ્યા છે.
વાતાવરણના આ અચાનક પલટાથી જનજીવન પર સીધી અસર પડી રહી છે અને બેવડી ઋતુના કારણે શરદી, ઉધરસ તેમજ તાવ જેવા વાયરલ ઈન્ફેક્શનના કેસો વધવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે-ધીમે વધવાની શક્યતા વચ્ચે આરોગ્ય વિભાગે નાગરિકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ આપી છે.