Surat: ગુજરાતમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ, સુરતમાં બ્રેઇનડેડ યુવકના હાથ, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું

સુરતમાં 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી 5 વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. ગુજરાતમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સુરતની કિરણ હોસ્પિટલમાં ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગી સેલવાસાના વડપાડા ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને પ્રાઈવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નરેન્દ્ર 22 ફેબ્રુઆરીના રોજ ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો. ત્યાં તેને ભૂખ લાગતાં કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો. નાસ્તો કરતાં-કરતાં તે બેભાન થઇ ગયો હતો, તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતાં મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી. 28 ફેબ્રુઆરીના રોજ ડૉક્ટરની ટીમે નરેન્દ્રને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
કિરણ હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેઈનડેડ અંગે જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશ, બહેન પ્રિયા, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણાને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને એનું મહત્ત્વ સમજાવ્યું હતું. નરેન્દ્રની પત્ની રોશની તેમજ તેની માતા અને ભાઈએ અગદાનની સંમતિ આપી હતી. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અને હાથ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યાં હતાં. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં સુરતના રહેવાસી, 44 વર્ષીય વ્યક્તિ અને 40 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં ઓલિમ્પિક-2036ની તૈયારી, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા કામગીરી હાથ ધરાઈ