Ahmedabad: અમદાવાદમાં ઓલિમ્પિક-2036ની તૈયારી, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા કામગીરી હાથ ધરાઈ

ભારત સરકારે આગામી 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને હોસ્ટ કરવા માટે તૈયારી દર્શાવી છે. આ મુદ્દે કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમતમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, 2036ના ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનો હતો, જે ભારત દ્વારા મોકલી દેવામાં આવ્યો છે. આવી જ રીતે કતાર, ઇન્ડોનેશિયા અને ટર્કી સહિત જુદા-જુદા દેશોએ પણ આ લેટર આપીને પોતાનો રસ બતાવ્યો છે. હવે તબક્કાવાર એનું હિયરિંગ કરવામાં આવશે અને એના આધારે ઓલિમ્પિક ગેમ્સ ક્યાં દેશમાં યોજવી એનો નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવાનો વિચાર છે. જેને લઈને ત્યાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ગતિથી આગળ વધારવામાં આવી રહ્યું છે, તેમજ ટેલેન્ટેડ છાત્રોને શોધીને તેમને વિદેશી કોચ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે અમદાવાદમાં નેશનલ લેવલની જુદી-જુદી ટુર્નામેન્ટનાં આયોજન પણ વધારવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો હતો તેમજ નેશનલ લેવલની ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવા જુદા-જુદા કાર્યક્રમો દ્વારા આપણે અમદાવાદને પ્રમોટ કરીને તેને એક ખાસ સેન્ટર તરીકે ડેવલપ કરી રહ્યા છીએ, જેમાં સફળતા મળવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો, Ahmedabad: કેન્દ્રીય રેલવે મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી