ભદ્ર પાથરણા બજાર મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ‘સ્ટેટસ ક્વો’ યથાવત; AMCને રાહત

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના અગાઉના ચુકાદા પર સ્ટે આપીને ‘સ્ટેટસ ક્વો’ જાળવવાનો નિર્દેશ આપ્યો છે. જેના કારણે હાલની વ્યવસ્થા યથાવત રહેશે.

ભદ્ર વિસ્તારમાં ચાલતા પાથરણા બજાર મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે હાઈકોર્ટના ચુકાદા બાદ અનિશ્ચિતતા સર્જાઈ હતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલ જે સ્થિતિ છે તે જ યથાવત રાખવામાં આવશે.

કોર્ટના આદેશ અનુસાર ભદ્ર વિસ્તારના જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારની નવી સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે રોડ પર ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ફેરિયાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે. આ નિર્ણયથી શહેરમાં ટ્રાફિક અને જાહેર વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

જો કે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ છૂટછાટ પણ આપી છે. જેમ ફેરિયાઓ પાસે માન્ય કાર્ડ અથવા પરમિશન છે, તેઓને ફૂટપાથ પર બેસીને પોતાનું વેચાણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આથી નિયમોનું પાલન કરતા વેપારીઓને રાહત મળી છે અને તેમના રોજગાર પર અસર નહીં પડે.

આ નિર્ણયના પગલે ભદ્ર માર્કેટમાં હાલ મિશ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ધમધમતા રહેતા આ વિસ્તારમાં હવે ગણતરીના પાથરણા વાળા જ બેઠેલા જોવા મળી રહ્યા છે. ઘણા ફેરિયાઓ હજુ પણ સ્પષ્ટતા માટે રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાકે કાયદાકીય પ્રક્રિયા અનુસાર પોતાની સ્થિતિ મજબૂત કરવાની તૈયારી શરૂ કરી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એક તરફ AMCને વહીવટી રાહત મળી છે તો બીજી તરફ નિયમિત અને કાયદેસર રીતે વ્યવસાય કરતા ફેરિયાઓને પણ રાહતનો શ્વાસ મળ્યો છે. હવે આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી અને અંતિમ નિર્ણય પર સૌની નજર ટકી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે આપી દીધી આ મંજૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *