NEET પેપર લીક મુદ્દે મોદી સરકારને ઝાટકી, સુપ્રીમ કોર્ટે NTA ને આપી માત્ર 3 દિવસની ડેડલાઈન

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકાર પર આક્રોશ ઠાલવ્યો છે. કોર્ટે ભૂતકાળની ભૂલોમાંથી સબક ન લેવા બદલ સરકારની ઝાટકણી કાઢી છે.

આ વર્ષે દેશભરમાંથી અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ તન્વી દુબેએ કોર્ટને આ મામલાની ગંભીરતા અને ઈમરજન્સી સમજાવીને વહેલી સુનાવણી કરવા વિનંતી કરી હતી. અરજીઓ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે ભૂતકાળના સુધારાઓ લાગુ ન થવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, આ ખરેખર બહુ દુઃખદ છે, તેઓ પોતાની ભૂલોમાંથી કોઈ પાઠ શીખ્યા જ નથી. અમે અગાઉ આખી પરીક્ષા પદ્ધતિ સુધારવા માટે એક હાઈ-પાવર્ડ કમિટી બનાવી હતી, તો પણ સ્થિતિ કેમ આવી ને આવી જ રહી? 

સુપ્રીમ કોર્ટે NTA ને આપી માત્ર 3 દિવસની ડેડલાઈન

સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને મોનિટરિંગ કમિટીને કડક આદેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી ૩ દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને નીચે મુજબની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે:
મોનિટરિંગ સ્ટેટસ: 14 નવેમ્બરે રચાયેલી મોનિટરિંગ કમિટીએ અત્યાર સુધી શું કામગીરી કરી તેનો રિપોર્ટ આપો.
નિયમોનું પાલન: પરીક્ષાની સુરક્ષા મજબૂત કરવા માટે હાઈ-પાવર્ડ કમિટીએ જે ભલામણો કરી હતી, તેને લાગુ કરવા માટે શું પગલાં લેવાયા તેની વિગતવાર માહિતી આપો. 

સુપ્રીમ કોર્ટે આ કેસની મુખ્ય પિટિશન અને તેની સાથે જોડાયેલી તમામ અરજીઓ પર કેન્દ્ર સરકાર વતી હાજર રહેતા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે. હવે આખોય મામલો 3 દિવસ પછી કોર્ટમાં એફિડેવિટ જમા થયા બાદ ફરી ખુલશે. કોર્ટ હવે એ તપાસશે કે અગાઉની NEET પરીક્ષાઓના કરોડોના કૌભાંડો બાદ સરકારે જે મોટા-મોટા સુધારાના વાયદા કર્યા હતા, તે હકીકતમાં કાગળ પર જ રહી ગયા છે કે તેનો કોઈ અમલ થયો છે? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *