શેર માર્કેટમાં આવી સુનામી, એક જ દિવસમાં રોકાણકારોના 11 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 1500 પોઈન્ટ તૂટ્યો

ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાના સંકેતો અને પીએમ નરેન્દ્ર મોદીની અપીલના બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 1500 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. રૂપિયો પણ રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયો અને ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો.
સૌથી ખરાબ દિવસ નિફ્ટી IT માટે રહ્યો, જે લગભગ 3.50 ટકા ઘટીને બંધ થયો. NSE પર મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પબ્લિક સેક્ટરની બેન્કો સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે.નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં અનુક્રમે 1.26 ટકા અને 0.81 ટકાનો ઘટાડો થયો. BSE સેન્સેક્સ 1456 પોઈન્ટ અથવા 1.92 ટકા તૂટીને 74,559 પર બંધ થયો. નિફ્ટી 436 પોઈન્ટ અથવા 1.83 ટકા ઘટીને 23,380 પર બંધ થયો. નિફ્ટી બેન્કમાં 884 પોઈન્ટનો ઘટાડો રહ્યો.
11 લાખ કરોડનું નુકસાન
BSEના ટોપ 30 શેર પૈકી માત્ર 3 શેરમાં તેજી જોવા મળી, જ્યારે બાકીના 27 શેર ઘટીને બંધ થયા. સૌથી વધુ ઘટાડો અદાણી પોર્ટ, TCS, ટેક મહિન્દ્રા અને HCL જેવા શેરોમાં જોવા મળ્યો. આ મોટા ઘટાડાને કારણે આજે રોકાણકારોના 11 લાખ કરોડ ધોવાઈ ગયા છે, કારણ કે BSE માર્કેટ કેપ 467 લાખ કરોડથી ઘટીને 456 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે.
શેરબજારમાં મોટા ઘટાડાના કારણો
ક્રૂડ ઓઈલના ભાવ: બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 2.45 ટકા વધીને 106.75 અમેરિકી ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ભારતીય બજાર માટે નકારાત્મક માનવામાં આવે છે કારણ કે તેનાથી મોંઘવારી વધી શકે છે અને કંપનીઓની કમાણી પર અસર પડે છે.
અમેરિકા-ઈરાન સંઘર્ષ: અમેરિકા-ઈરાન સંઘર્ષને લઈને નવી ચિંતાઓ વચ્ચે રોકાણકારોનો ઉત્સાહ નબળો રહ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, ઈરાન સાથે યુદ્ધવિરામ તેના સૌથી નબળા તબક્કામાં છે અને ‘ખૂબ જ નાજુક સ્થિતિ’માં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બ્લોક રહી શકે છે.
IT સેક્ટરમાં કડાકો: IT સેક્ટરમાં 3.70 ટકાનો ઘટાડો થયો. આ ભારે ઘટાડા પાછળ OpenAIની એક જાહેરાત જવાબદાર છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તે કંપનીઓને AI બનાવવામાં અને તેના ઉપયોગમાં મદદ કરવા માટે 4 અબજ અમેરિકી ડોલરથી વધુના સપોર્ટ સાથે એક નવી કંપની શરૂ કરવા જઈ રહી છે.