રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રહેશે તમામ સરકારી બેન્કો, 3 દિવસની હડતાળને કારણે લેવાયો નિર્ણય

28થી 30 સપ્ટેમ્બર સુધી જાહેર કરવામાં આવેલી દેશવ્યાપી બેન્ક હડતાળને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે સામાન્ય લોકોની સુવિધા માટે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે બુધવારે જાહેર કરેલા એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, રવિવાર, 27 સપ્ટેમ્બરે તમામ સરકારી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો ખુલ્લી રહેશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રવિવારે તમામ સરકારી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોમાં સામાન્ય દિવસોની જેમ જ કામકાજ ચાલુ રહેશે.
બેન્ક કર્મચારીઓના યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી બેન્ક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળ 26 અને 27 સપ્ટેમ્બરની શનિવાર અને રવિવારની રજાઓ બાદ યોજાવાની છે. એટલે કે બેન્કિંગ કામગીરી સતત 5 દિવસ સુધી પ્રભાવિત થવાની હતી, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મુશ્કેલી પડી શકે તેમ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ગ્રાહકોની બેન્કિંગ જરૂરિયાતો પૂરી કરવા માટે અગાઉથી જરૂરી પગલાં લીધા છે.
સામાન્ય લોકોની બેન્કિંગ જરૂરિયાતો લાંબા સમય સુધી પ્રભાવિત ન થાય તે માટે તમામ સરકારી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો રવિવાર, 27 સપ્ટેમ્બરે સામાન્ય રીતે કાર્યરત રહેશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પણ 27 સપ્ટેમ્બરે તમામ બેન્ક શાખાઓ, કચેરીઓ, ATM સાથે જોડાયેલી શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.
ગ્રાહકોની સુવિધા સરકારની સૌથી મોટી પ્રાથમિકતા
નાણા મંત્રાલયે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, બેન્ક ગ્રાહકોની સુખાકારી અને સુવિધા સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. સરકાર અને બેન્ક મેનેજમેન્ટે યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ ટાળવા અપીલ કરી છે. સાથે જ જરૂરી બેન્કિંગ સેવાઓ કોઈપણ અવરોધ વિના ચાલુ રહે તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.
SBI, PNB સહિતની બેન્કોએ ગ્રાહકોને આપી હતી માહિતી
બેન્ક યુનિયન દ્વારા ત્રણ દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યા બાદ ભારતીય સ્ટેટ બેન્ક (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB) સહિતની અનેક મોટી બેન્કોએ પોતાના ગ્રાહકો માટે સૂચના જાહેર કરી હતી. ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને સલાહ આપી હતી કે હડતાળની તારીખોને ધ્યાનમાં રાખીને બેન્ક સાથે જોડાયેલા જરૂરી કામ અગાઉથી પૂર્ણ કરી લે.