કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો. એક ખાનગી સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે સ્લીપર બસમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. 

મળતી માહિતી મુજબ, બસ બેંગલુરુથી શિવમોગા જઈ રહી હતી. બસે 300 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો હતો. આ અકસ્માત નેશનલ હાઇવે 48 (NH-48) પર થયો હતો.

પ્રારંભિક માહિતી મુજબ, ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. જ્યારે ટક્કર થઈ ત્યારે મોટાભાગના મુસાફરો બસમાં સૂઈ રહ્યા હતા અને બસમાં આગ લાગી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી બાજુથી આવી રહેલ એક ટ્રક ડિવાઇડર ઓળંગીને બસ સાથે અથડાઈ ગઈ, જેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી. 

ટક્કર બાદ બસમાં આગ લાગી

બસ અને ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે અવાજ દૂર સુધી સંભળાયો હતો. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ હતી. જોકે, બસમાંથી નવ લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે, કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે મૃત્યુઆંક વધી શકે છે.

બુધવારે મોડી રાત્રે, ચિત્રદુર્ગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ગોરલાથુ ક્રોસ નજીક એક પૂરઝડપે આવી રહેલી ટ્રક ડિવાઇડર તોડીને સામેથી આવતી સ્લીપર બસ સાથે અથડાઈ હતી.  ટક્કર થતાં બસમાં આગ લાગી ગઈ હતી. મુસાફરો કંઈ સમજી શકે તે પહેલાં જ બસ આગમાં લપેટાઈ ગઈ હતી. ટ્રક હિરિયુરથી બેંગલુરુ જઈ રહી હતી અને બસ બેંગલુરુથી શિવમોગા જઈ રહી હતી.

અકસ્માતમાં બસમાં સવાર 12 મુસાફરો જીવતા સળગ્યા હતા. અન્ય ઘણા ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળે તપાસ કરી હતી. હિરિયુર ગ્રામીણ પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બસમાં 15 મહિલાઓ અને 14 પુરુષો હતા.

બસમાં 29 મુસાફરો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં કુલ 32 સીટો પર 29 મુસાફરો હતા. અકસ્માત દરમિયાન બસ ડ્રાઇવર, કંડક્ટર અને કેટલાક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડ્યા હતા. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર કુલદીપનું પણ મૃત્યુ થયું હતું. બેંગલુરુના રહેવાસી ગગન શ્રી-રશ્મિ અને ગોકર્ણાની રહેવાસી રક્ષિતા પણ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ નેશનલ હાઇવે 48 પર 30 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *