અમદાવાદમાં રૂ. 2719 કરોડના 6 પ્રોજેક્ટને મંજૂરી: કેન્દ્ર-રાજ્ય 25-25% આપશે, બાકીની રકમ માટે AMC લોન લેશે; પણ કામ ક્યારે શરૂ થશે?

કેન્દ્ર સરકારે અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે-
ITMS અને AFCS માટે 331.03 કરોડ રૂપિયા મંજૂર
પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 852.93 કરોડ
પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 551.35 કરોડ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે 290.24 કરોડ
ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ
125 TPDની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલીટી માટે 479.25 કરોડ
અમદાવાદને શું ફાયદો થશે?
આ પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં અમદાવાદ શહેરના ગટર નેટવર્કનું પુનર્વસન (રિહેબિલિટેશન) કરીને ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. એટલું જ નહીં, સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને સ્માર્ટ સંચાલન શક્ય બનશે. ઉપરાંત, ગટરના સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન મળશે.
ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ અને રિયલ-ટાઈમ માહિતી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રૂટનું કાર્યક્ષમ આયોજન તેમજ આધુનિક ઇન-બસ સર્વેલન્સ દ્વારા બહેતર ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે તથા નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે.
શું છે અર્બન ચેલેન્જ ફંડ?
કેન્દ્ર સરકારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને માર્કેટ આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરેલું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1 લાખ કરોડની કેન્દ્રીય સહાય માર્કેટ-લેડ અર્બન ટ્રાન્સફોર્મેશન માટે આ ફંડ પૂરી પાડે છે.
આ યોજના અન્વયે ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઓફ સિટીઝ, સિટીઝ એઝ ગ્રોથ હબ અને વોટર એન્ડ સેનિટેશન એમ ત્રણ વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામો કરી શકાય છે. ગુજરાતને અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત 6,475 કરોડની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેનાથી રાજ્યના શહેરો દ્વારા કુલ 25 હજાર 900 કરોડની રકમના કામો અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત હાથ ધરી શકાશે. આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25 ટકા કેન્દ્ર સરકારની સહાય, 25 ટકા રાજ્ય સરકારની સહાય અને બાકીના 50 ટકા મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા PPP દ્વારા ઉપલબ્ધ કરવાના રહે છે. તદનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાને આ 6 પ્રોજેક્ટ્સ માટે 679.95 કરોડની કેન્દ્રીય સહાય તથા 679.95 કરોડની રાજ્ય સરકારની સહાય મળશે અને બાકીની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોન દ્વારા મેળવશે.