“પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું”

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ત્રણ સમાજને લઈને આપેલા એક નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. અમિત ચાવડાની હાજરીમાં શંકરસિંહ વાઘેલાએ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, “પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર રૂપિયા આપીશ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આદિવાસીઓ જે સ્થિતિમાં રહે છે તે હાલતમાં રહે તો જ ખબર પડે. આદિવાસી સમાજ સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે અને અનામત એ એ જ અન્યાયનું વળતર છે.
શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ વાઘેલા પર પલટવાર કરતા જણાવ્યું કે, “બાપુનું વ્યક્તિત્વ જ વિવાદિત રહ્યું છે. ભારતમાં મેલું ઉપાડવાની પ્રથા પર પ્રતિબંધ છે. શંકરસિંહે બીજાને કહેવાને બદલે પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ. જો શંકરસિંહ વાઘેલા મારા ઘરનું મેલું ઉપાડે તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ.”
તો બીજી તરફ, બ્રહ્મ સમાજના અગ્રણી હિરેન જોશીએ પણ આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે લાઈમલાઈટમાં આવવા માટે જ વાઘેલા આવા વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જે તેમની માનસિકતા સ્પષ્ટ કરે છે. જો શંકરસિંહ વાઘેલા પોતાનું નિવેદન પરત ખેંચીને જાહેર માફી નહીં માગે, તો તમામ સમાજના અગ્રણીઓ એક થઈને નીતિ નક્કી કરશે અને આંદોલન છેડશે. બ્રહ્મ સમાજે કહ્યું કે, શંકરસિંહે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે શંકરસિંહ દેખાય છે, પછી ગાયબ થઈ જાય છે.
તો બીજી તરફ શંકરસિંહના નિવેદન મુદ્દે ઉમિયાધામના પ્રમુખે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ઉમિયાધામના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે કહ્યું કે, આ મુદ્દે મારે કઈ બોલવું નથી.
દિનેશ બાંભણિયાએ શું કહ્યું?
શંકરસિંહ વાઘેલાના નિવેદન પર બ્રહ્મ સમાજ બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ પણ પ્રતિક્રિયા આપી છે. દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદનને વખોડ્યું છે. તમને જણાવીએ કે, દિનેશ બાંભણિયા ખોડલધામના ટ્રસ્ટી છે. તેમણે ઉમેર્યું કે, સમાજો વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસો છે. આ ઉપરાંત કાયદાકીય લડત લડવાની પણ બાંભણિયાએ ચીમકી આપી છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો તેઓ તેમને 50 હજાર રૂપિયા આપશે. આ નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો આવ્યો છે.