શેરબજાર માટે અમેરિકા બન્યું વિલન, બજાર ખૂલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી થયા ધડામ

બજેટ પછી, સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની જાહેરાત પછી, રોકાણકારોમાં ગભરાટ ફેલાયો, જેના કારણે મુખ્ય એશિયન શેરબજારોમાં ભારે ઘટાડો થયો, જેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટીને 76,827.95 પોઈન્ટ પર પહોંચ્યો. તે જ સમયે નિફ્ટી પણ 243 પોઈન્ટ (0.69%) ઘટીને 23,239 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ 710.70 પોઈન્ટ ઘટીને 76,795.26 પર જ્યારે નિફ્ટી 211.75 પોઈન્ટ ઘટીને 23,270.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સંકેતોએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પણ પડી શકે છે. આ આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવી, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે.