ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) અને સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યાની આત્મહત્યાના કેસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. માઈક્રોબાયોલોજી વિભાગના તબીબ હર્ષ પંડ્યા સાથે સિનિયરો દ્વારા સતત રેગિંગ અને માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ઓફિસ સમય પૂરો થયા બાદ સિનિયરો હર્ષને રૂમમાં રાખીને સતત 1 કલાક સુધી માનસિક ત્રાસ આપતા હતા.
માઈક્રોબાયોલોજી વિભાગના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મૃતકના પિતાની ફરિયાદના આધારે એન્ટી રેગિંગ કમિટીએ તપાસ તેજ કરી હતી. આજે સવારે 4 વાગ્યા સુધી ચાલેલી કાર્યવાહીમાં જુનિયર ડોક્ટરો, સિનિયર ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ડીને વધુમાં ઉમેર્યું કે સિનિયરો અન્ય રેસિડન્ટ તબીબોની હાજરીમાં પણ હર્ષ પંડ્યાને ખખડાવતા હતા.
એન્ટી રેગિંગ સ્ક્વોડે તેનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપ્યા બાદ, ગંભીર બેદરકારી અને શિસ્તભંગ બદલ માઈક્રોબાયોલોજી વિભાગની 3 વિદ્યાર્થિનીઓ અને 1 વિદ્યાર્થી મળી કુલ 4 સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, માઈક્રોબાયોલોજી વિભાગના વડા (HOD) સહિત 4 ફેકલ્ટીને કારણદર્શક (Show-Cause) નોટિસ પાઠવવામાં આવી છે. સમગ્ર મામલે સુરત મેડિકલ કોલેજે આરોગ્ય વિભાગના અધિક નિયામકને વિગતવાર રિપોર્ટ સોંપી દીધો છે.
રેગિંગનો કેસ સામે આવતા જ રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેગિંગ કરનારા સિનિયરોને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “જુનિયરોને હેરાન કરનાર સિનિયરો અસંસ્કારી છે. જો જુનિયરોને હેરાન કરશો તો જિંદગીભર પછતાવાનો વારો આવશે.”
મંત્રીએ નાપાસ કરવાની ધમકી આપતા સિનિયરો સામે આકરા પ્રહારો કરતા જુનિયર વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે જો કોઈ સિનિયર નાપાસ કરવાની ચીમકી આપે તો તેની જાણ તુરંત ડીનને કરવી. તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે કોઈપણ વિદ્યાર્થીએ આવી હતાશામાં આવીને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરવું જોઈએ.
4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) અને ન્યુ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફર્સ્ટ યર માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થી ડો. હર્ષ પંડ્યાની આત્મહત્યા બાદ ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં રેગિંગના ગંભીર આક્ષેપો સાચા ઠરતા જ વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે. તપાસ કમિટીની પ્રાથમિક તપાસ બાદ સેકન્ડ યર માઈક્રોબાયોલોજીના 4 સિનિયર રેસિડન્ટ તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ચારેય વિદ્યાર્થીઓને આગામી 6 મહિના માટે ટીચિંગ એક્ટિવિટી, હોસ્ટેલ અને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.