અમદાવાદમાં રવિવારે પણ શાળાઓ ચાલુ રાખી શકાશે, જાણો DEOએ શા માટે બહાર પાડ્યો આ પરિપત્ર

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો હતો. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO – અમદાવાદ શહેર) દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ આદેશ અનુસાર, અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળા ચાલુ રાખી શકશે. આ સમય દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. જોકે, આ માટે શાળાઓએ વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનની સ્થિતિને પ્રાથમિકતા આપવાની રહેશે. સાથોસાથ, વાલીઓને આ અંગે અગાઉથી જાણ કરવાની રહેશે અને શિક્ષકોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવાનું રહેશે.