અમદાવાદની હોસ્પિટલો ઉભરાઈ; વરસાદી માહોલ બાદ જીવલેણ રોગનો ફૂંફાળો, ખાલી સોલા સિવિલમાં જ 13690 કેસ

અમદાવાદમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને મચ્છરજન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિષયક સ્થિતિ વણસી રહી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 13,690 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે જ્યાં દૈનિક/સાપ્તાહિક સ્તરે 1100 જેટલી OPD નોંધાતી હતી, તેમાં એક જ અઠવાડિયામાં 2000 જેટલા કેસોનો સીધો વધારો નોંધાયો છે.

ગયા અઠવાડિયાની સરખામણીએ ડેન્ગ્યુ અને મલેરિયા બંનેના કેસોમાં 10-10 કેસનો વધારો થયો છે. હોસ્પિટલમાં હાલ ડેન્ગ્યુના 33 કેસ, ચિકનગુનિયાના 15 કેસ, મલેરિયાના 12 કેસ અને દૂષિત પાણીના કારણે થતા ઝાડા-ઉલ્ટીના 14 કેસ નોંધાયા છે. સ્થાનિક હોસ્પિટલોમાં તાવ અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલ તંત્ર પર પણ ભારણ વધી ગયું છે.

રોગચાળાથી બચવા માટે આરોગ્ય વિભાગની સલાહ
ચોમાસાની આ સિઝનમાં રોગચાળાનો ભોગ બનવાથી બચવા માટે નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી….

  1. પાણી ભરાવા ન દો: ઘર કે આસપાસના પરિસરમાં કૂંડાં, ટાયર કે ખુલ્લા પાત્રોમાં પાણી એકઠું ન થવા દો.
  2. ઉકાળેલું પાણી પીવો: પાણીજન્ય રોગોથી બચવા માટે પાણી ઉકાળીને અથવા ક્લોરિનયુક્ત પાણી જ ઉપયોગમાં લેવું.
  3. મચ્છરથી રક્ષણ: પૂરતા કપડાં પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને મચ્છર ભગાડવાની ક્રીમનો પ્રયોગ કરવો.
  4. તાજો ખોરાક લેવો: વાસી કે ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું.

તાવ, ઉલટી કે શરીરના દુખાવા જેવાં કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *