ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટે 13 વર્ષથી પથારીવશ હર્ષિત રાણાને આપી ‘ઈચ્છામૃત્યુ’ની પરવાનગી

સુપ્રીમ કોર્ટે એક અત્યંત ભાવુક અને માનવીય અભિગમ અપનાવતા ગાઝિયાબાદના હર્ષિત રાણાને ‘નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ’ (Passive Euthanasia) માટે મંજૂરી આપી છે. હર્ષિત છેલ્લા 13 વર્ષથી પથારીવશ હતો અને 100% અપંગતા સાથે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં મેડિકલ બોર્ડની સલાહ માંગી હતી. એઈમ્સના નિષ્ણાતોએ હર્ષિતની સ્થિતિની તપાસ કર્યા બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે હર્ષિતની સ્થિતિમાં સુધારો થવાની કોઈ જ શક્યતા નથી. આ તબીબી અભિપ્રાયને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે હર્ષિતના પરિવારની અરજી ગ્રાહ્ય રાખી છે.
માતા-પિતાની લાંબી અને પીડાદાયક લડત
હર્ષિતના માતા-પિતાએ પોતાના પુત્રની અસહ્ય પીડા જોઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર છેલ્લા 13 વર્ષથી પથારીવશ છે અને તેનામાં જીવવાની કોઈ આશા બાકી રહી નથી. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરિવાર સાથે સીધી વાતચીત પણ કરી હતી, જેમાં માતા-પિતાએ ભીની આંખે પુત્ર માટે મુક્તિની માંગણી કરી હતી.
શું છે ઈચ્છામૃત્યુ (Passive Euthanasia)?
કોર્ટે હર્ષિત માટે ‘ઈચ્છામૃત્યુ’ની પરવાનગી આપી છે. આ પ્રક્રિયામાં દર્દીને જીવતો રાખવા માટે આપવામાં આવતી લાઈફ સપોર્ટ સિસ્ટમ (જેમ કે વેન્ટિલેટર કે આર્ટિફિશિયલ ફીડિંગ) ને ધીમે-ધીમે હટાવી લેવામાં આવે છે, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામી શકે.
આ નિર્ણય સાથે હર્ષિત અને તેના પરિવારની 13 વર્ષની લાંબી વેદનાનો અંત આવશે. ભારતની ન્યાયિક પ્રણાલીમાં આ પ્રકારના નિર્ણયો અત્યંત વિરલ હોય છે, જે સાબિત કરે છે કે કાયદો પણ માનવીય સંવેદનાઓને સર્વોપરી ગણે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:આ 3 કારણોથી રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, સેન્સેક્સ 1342 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 23866 પર બંધ