Rajpipla: મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન, અંગ્રેજી ન આવડે તેને પશુ સાથે સરખાવ્યા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના ગાજરગોટા ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન નથી તે પશુ સમાન છે. જેમ માણસ હવા-પાણી વગર જીવી નથી શકતો, તેમ આ વિષયોના જ્ઞાન વગર જીવન શક્ય નથી.

વસાવાએ ખાસ કરીને અંગ્રેજી ભાષા પર વધુ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને અંગ્રેજી ‘ટકોરાબંધ’ આવડવું જોઈએ. તેમના મતે, ગણિત-વિજ્ઞાનમાં થોડી નબળાઈ ચાલી શકે, પરંતુ અંગ્રેજી ભાષામાં નબળાઈ ચાલી શકે નહીં.

સાંસદે વધુમાં ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પોપટની જેમ અંગ્રેજી શીખવાની સલાહ આપી અને કહ્યું કે, આ જ્ઞાન વગર ગ્રેજ્યુએટ થવા છતાં આગળ વધી શકાશે નહીં.

ગતરોજ (16 એપ્રિલે) નર્મદા જિલ્લાના ગાજરગોટા ગામની સરકારી માધ્યમિક શાળામાં ONGC શિક્ષા ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ નવના 18 જેટલા બાળકોને ટેબલેટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળાના વિદ્યાર્થીઓને સંબોધન કર્યા હતા. જ્યાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તેઓએ જીવનમાં અન્ય વિષયો કરતા ગણિત-વિજ્ઞાન-અંગ્રેજી અને ટેક્નોલોજી પર વધુ ધ્યાન આપવું જોઈએ.

સાંસદે ઉમેર્યું કે, અંગ્રેજી તો પાવરફૂલ રાખવાનું છે. આપણા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના થોડા નબળા છે, એ તો ક્યાંક-ક્યાંક ચાલી પણ જાય, પરંતુ અંગ્રેજી તો ટકોરા બંધ આવડવું જોઈએ. જેને અંગ્રેજીનું જ્ઞાન છે તે દુનિયામાં ક્યાંય પાછળ નથી પડવાનો. અંગ્રેજી તો પોપટની જેમ આવડવું જોઈએ. શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન ભણવું જરૂરી છે. અંગ્રેજી ખાસ આવડવું જોઈએ કારણ કે, દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે, આપણી ગુજરાતી ભાષા તો ખૂબ સુંદર છે, મીઠડી છે. મારો હેતુ તેને કે પછી અન્ય ભાષાઓને ઉતરતી બતાવાનો કે અપમાનિત કરવાનો નથી. પણ, હા આજના જમાનામાં ઉપરના વિષયો અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે.

વિવાદિત નિવેદનને લઇ મનસુખ વસાવાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક છે. મેં જે કહ્યું તે સાચું જ કહ્યું છે અને આ વાત હું દરેક જગ્યાએ કહેતો જ હોઉ છું. સંસ્કૃતમાં પણ શ્લોક છે કે, જેની પાસે જ્ઞાન નથી, નોલેજ નથી. તે આ મૃત્યુલોકમાં પશુ સમાન છે. મેં ત્યાં પણ આ શ્લોકનું પઠન કર્યું હતું.

આ પણ વાંચો, Meerut: મેરઠમાં મુસ્કાન જેવી બીજી ઘટના, બોયફ્રેન્ડ સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *