Rajkot: રાજકોટની SOS સંસ્થામાં રેગિંગની ઘટના, સાથી વિદ્યાર્થીઓએ કિશોરને પટ્ટા વડે ઢોર માર માર્યો

આજકાલ સ્કૂલ-કોલેજમાં સાથી વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ તેમજ માર મારવાની ઘટનાઓ સતત વધી રહી છે. બે દિવસ અગાઉ ધંધૂકામાં હોસ્ટેલમાં સાથે રહેતા જ સગીર વિદ્યાર્થીઓએ માસૂમ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે હવે રાજકોટના ખંભાળા સ્થિત SOS (સ્કૂલ ઓફ સાયન્સ)માં ધોરણ-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને પણ સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતાપૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનાં પરિવારજનોએ સંસ્થા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુત્રાપાડા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ આઠથી રાજકોટની SOS સંસ્થામાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જેને પરીક્ષા પહેલાં સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને ઢીંકાપાટુથી ઢોરમાર માર્યો હતો. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતાં પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઊભા કરી હોબાળો મચાવ્યો હતો. આ બાદ પિતાએ પોતાના પુત્રને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને આરોપીઓ સામે પગલાં ભરવા માંગ કરી છે.
આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ SOSમાં 12 સાયન્સમાં ભણું છું. મારી પરીક્ષાને થોડા દિવસની વાર હતી ત્યારે મને સાત-આઠ છોકરાઓએ પટ્ટાથી માર્યો. હું ઘરે કહેવાનો હતો પણ મારે પેપર હતું એટલે મેં સહન કર્યું. પેપર પત્યા પછી મેં મારા પપ્પાને વાત કરી હતી. કારણ જણાવતા ભોગ બનનાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, અગાઉ અમે મસ્તી કરતા હતા પણ પછી સમાધાન કર્યું હતું. એ બાદ મને રૂમમાં બોલાવીને માર્યો. એ લોકોએ ફરિયાદ કરવાની ના પાડી અને મારા પપ્પાનો ફોન લઇ લેતા હતા એટલે અમે ત્યાંથી માંડ નીકળ્યા અને અહીં જૂનાગઢ આવીને દાખલ થયા. એ લોકો જાતિ પ્રત્યે પણ હડધૂત કરતા હતા.
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ વધુમાં જણાવ્યું કે, SOS સંસ્થામાં અગાઉ પણ ત્રણ છોકરાઓને માર મારવામાં આવ્યો હતો અને એમના વાલીઓને સમજાવીને મામલો દબાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સંસ્થામાં અગાઉ એક છોકરાએ આત્મહત્યા પણ કરી હતી. સંસ્થાનું મેનેજમેન્ટ બધું જાણવા હોવા છતાં ક્યાંક ઊણું ઊતર્યું છે. મારા છોકરાને મારનાર છોકરાઓને પણ મેનેજમેન્ટે ઘરે મોકલી દીધા છે. મને સાંભળવામાં પણ નથી આવ્યો. મારો છોકરો સ્ટોપર ખોલીને ભાગી ગયો બાકી આઠ-દસ છોકરાઓ એને મારી નાખતા. જૂનાગઢ દાખલ એટલે થયા કે રાજકોટમાં અમને સલામતીનો ડર હતો.
આ અંગે ખુલાસો આપતા SOSના ટ્રસ્ટી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય 6 થી 7 વિદ્યાર્થીઓએ એક સંપ થઈને રૂમમાં માર માર્યો હતો. જે બાદ આ વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા. વાલીનો આગ્રહ હતો કે અન્ય વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માફી માગી લે તો આ પ્રકરણમાં આગળ કંઈ કરવું નથી, જેથી અમે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસે માફીપત્રો લખાવ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ એક સંપ કરી માર માર્યો છે તે વિદ્યાર્થીઓને શાળામાંથી દૂર કરવામાં આવ્યા છે. અહીં 500 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.
આ પણ વાંચો, Digiyatra: અદાણી એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો