રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત

રંગીલા રાજકોટ (Rajkot) શહેરમાં આજે એક નાટકના મંચન મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત ‘હેમુ ગઢવી હોલ’ (Hemu Gadhvi Hall) ખાતે આજે રાત્રે ‘હું નથુરામ ગોડસે’ (Hu Nathuram Godse) નામના નાટકનો શો યોજાવાનો હતો. પરંતુ શો શરૂ થાય તે પહેલા જ નાટકના વિષયવસ્તુને લઈને વિવાદ ઉભો થયો હતો. ‘રાજકોટ શહેર કોંગ્રેસ’ (Rajkot City Congress) અને એનએસયુઆઈ (NSUI) ના કાર્યકરોએ મોટી સંખ્યામાં હોલ પર ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મામલો એટલો બિચકયો હતો કે ઉશ્કેરાયેલા કાર્યકરો નાટકના સ્ટેજ પર ચડી ગયા હતા અને ત્યાં રાખેલા સેટ પર તોડફોડ કરી હતી. ખુરશીઓ ઉછાળી અને બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા, જેના કારણે આયોજકોને શો રદ કરવાની ફરજ પડી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. તેમનો સીધો આક્ષેપ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું (Mahatma Gandhi) અપમાન કરીને તેમના હત્યારા નથુરામ ગોડસેને નાટકમાં ‘હીરો’ (Hero) તરીકે ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અસ્વીકાર્ય છે.
વિરોધનું કારણ જણાવતા કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું હતું કે, “ગાંધીના ગુજરાતમાં હત્યારા ગોડસેનું ‘મહિમામંડન’ (Glorification) અમે ક્યારેય સાંખી લઈશું નહીં. રાજ્યમાં જ્યાં પણ આ નાટક થશે ત્યાં અમે આવી જ રીતે વિરોધ કરીશું.” કોંગ્રેસનું માનવું છે કે આ પ્રકારના નાટકો યુવા પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.