ભરૂચથી લઇને ગાંધીનગર સુધી..! રાજ્યમાં મેઘો મચાવશે તાંડવ, જાણો સ્કાયમેટની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે.
સ્કાયમેટના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત નર્મદા, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી બે દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે અને છૂટાછવાયા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે.સ્કાયમેટના આ અનુમાનને ધ્યાનમાં રાખીને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને પગલે નદી-નાળાઓ નજીક બિનજરૂરી અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.