ક્રિકેટ ફેન્સ અને ખેડૂતો ચિંતામાં: અમદાવાદમાં IPL ફાઈનલ પર વરસાદનું સંકટ, 4 જૂન સુધી આખા રાજ્યમાં તોફાની આગાહી

ક્રિકેટ રસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ હવે આવી ગઈ છે, પરંતુ તેની સાથે જ એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મેના રોજ રમાનારી IPL-2026ની ભવ્ય ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. આ વર્ષે ખિતાબ જીતવા માટે બેંગલુરુ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો થવાનો છે, પરંતુ કુદરતનો મૂડ આ રોમાંચ બગાડી શકે તેમ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં 30 મેથી 4 જૂન સુધી તોફાની વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં કરંટને જોતાં માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ અણધાર્યા વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

એક તરફ ક્રિકેટ પ્રેમીઓ નિરાશ છે, તો બીજી તરફ ભરઉનાળે આવેલા આ માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે. વાવાઝોડા જેવા તેજ પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઊભેલા તેમજ તૈયાર થયેલા ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક બદલાયેલા હવામાનથી જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *