Heavy rain in Punjab: પંજાબમાં ભારે વરસાદનો કેર યથાવત, 23 જિલ્લામાં પૂર, 46ના મોત

પંજાબ આ દિવસોમાં ભયંકર પૂરની ઝપેટમાં છે. રાજ્યના 23 જિલ્લાઓના 1,996 ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે અને 1.75 લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાં ઉભા પાકનો નાશ થયો છે. ભારે વરસાદને કારણે રાવી, સતલજ અને બિયાસ નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત જિલ્લા ગુરદાસપુરની મુલાકાત લેશે. તેઓ અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોને સીધા મળશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), સેના, સરહદ સુરક્ષા દળ, પંજાબ પોલીસ અને જિલ્લા અધિકારીઓ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં 22,854 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યભરમાં 200 રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે, જ્યાં 7,000 થી વધુ વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો છે.
પોંગ ડેમનું પાણીનું સ્તર 1,394.19 ફૂટ પર પહોંચી ગયું છે, જે ઉપલી મર્યાદાથી ચાર ફૂટ ઉપર છે. ભાખરા ડેમનું પાણીનું સ્તર 1,678,14 ફૂટ નોંધાયું હતું. ઘગ્ગર નદીનું પાણીનું સ્તર પણ 750 ફૂટના ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.
આ પણ વાંચો, માછીમારોને ભારે વરસાદના કારણે તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા IMD દ્વારા સૂચના