ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે વિશેષ સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

પરિપત્ર અનુસાર, ચોમાસા દરમિયાન સ્કૂલમાં અથવા વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સ્કૂલોમાં લટકતા વીજ વાયરો, ઈલેક્ટ્રિક ફિટિંગ્સ, દિવાલો અને છતની મરામત સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ સ્થાનિક તંત્રની મદદ લેવાની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સરકારે સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. આચાર્ય-શિક્ષકોને સ્કૂલમાં વરસાદ પહેલા ઇલેક્ટ્રિક સમારકામ સહિતના કામો પૂર્ણ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટના ટાળવા લટકતા વાયરો દૂર કરવા, વોટર સ્પાઉટ સાફ કરવા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા જણાવાયું છે.

સરકારે સ્કૂલોને છત પરના વોટર સ્પાઉટની સફાઈ કરવા, વધુ પાણી ભરાતી જગ્યાઓ સ્વચ્છ રાખવા, જૂના અને જોખમી ફર્નિચરને દૂર કરવા તેમજ એમસીબી અને એલસીબી જેવી સુરક્ષા વ્યવસ્થાઓ કાર્યરત રાખવા જણાવ્યું છે. ઉપરાંત, જોખમજનક વિસ્તારોમાં ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓને લોક મારીને બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કોઈ આપત્તિ સર્જાય તો તેનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે દરેક સ્કૂલમાં સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *