હજુ ગુજરાતવાસીઓને ચોમાસા માટે જોવી પડશે રાહ, અંબાલાલ બાદ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. વરસાદી માહોલને કારણે તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે.

અમદાવાદમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં વરસાદની શક્યતા ઓછી હોવા છતાં આકાશમાં વાદળોની અવરજવર યથાવત્ રહી શકે છે.ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓના ભાગરૂપે છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદથી ગરમીમાં રાહત મળશે અને ખેડૂતોમાં પણ આશા જાગશે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 19 અને 20 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ નોંધાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *