દિલ્હી અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની લાલ આંખ, SG હાઈવે પરની 6 હોટલ કરી સીલ

દિલ્હીમાં બનેલી અગ્નિકાંડની ઘટનાના પગલે અમદાવાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરને વધુ ફાયર સેફ બનાવવા અને આગના જોખમને ઘટાડવા માટે ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરતી હોટલો અને વ્યાવસાયિક એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપાના ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા નોર્થ વેસ્ટ ઝોનના થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર અને SG હાઈવે વિસ્તારમાં વિશેષ ચેકિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હોટલો અને તેમના કિચનમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું.
કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી
તપાસ દરમિયાન અનેક હોટલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. SG હાઈવે પર આવેલી હોટલ રુદ્ર, હોટલ 4 ફૂડ અને હોટલ કેપટાઉનને સીલ મારવામાં આવી છે. ઉપરાંત બોડકદેવ વિસ્તારમાં આવેલી અપોલો હોટલ અને હોટલ ગ્રાન્ટ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વસ્ત્રાપુર-ગુરૂકુળ રોડ પર આવેલી હોટલ લેક ઈનને પણ ફાયર સેફ્ટી ગાઇડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે અને નિયમોના ભંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.
અમદાવાદમાં આગામી દિવસોમાં પણ આવા ઓપરેશનો ચાલુ રહેશે અને ફાયર સેફ્ટી ધોરણોનું પાલન ન કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.