PM મોદીનો બે દેશોનો મહત્વપૂર્ણ પ્રવાસ, ઉઝબેકિસ્તાન-કિર્ગિસ્તાનમાં યોજાશે ખાસ બેઠકો; SCO સમિટ પર સૌની નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ચાર દિવસની વિદેશ યાત્રા માટે રવાના થયા છે. તેઓ 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની મુલાકાત લેશે. આ દરમિયાન તાશ્કંદમાં દ્વિપક્ષીય વાતચીત થશે અને બિશ્કેકમાં શાંઘાઈ સહકાર સંગઠનના 26મા શિખર સંમેલનમાં ભાગ લેશે.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર વડાપ્રધાન મોદી આજે તાશ્કંદ પહોંચશે. આ તેમની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત છે. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે જણાવ્યું કે, વડાપ્રધાને 2015માં ઉઝબેકિસ્તાન અને મધ્ય એશિયાના અન્ય દેશોની યાત્રા કરી હતી અને ત્યારબાદ 2016 તથા 2022માં SCO સમિટમાં ભાગ લેવા ત્યાં ગયા હતા. વિદેશ પ્રવાસને લઈને વડાપ્રધાન મોદીએ પણ એક પોસ્ટ કરી છે.

વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, તાશ્કંદમાં બંને નેતાઓ વેપાર અને રોકાણ, રક્ષા, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા (એનર્જી), શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરશે અને ભવિષ્ય માટે એજન્ડા નક્કી કરશે. તેઓ ‘વિકસિત ભારત 2047’ અને ‘ઉઝબેકિસ્તાન-2030’ના સામાન્ય વિકાસ લક્ષ્યોને આગળ વધારવા પર પણ પોતાના વિચારો શેર કરશે. અપેક્ષા છે કે વડાપ્રધાન મોદી તાશ્કંદમાં શાસ્ત્રી મેમોરિયલ અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લેશે. સચિવ જ્યોર્જે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરશે.”

ઉઝબેકિસ્તાનની મુલાકાત પછી વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટે 26મા SCO શિખર સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક જશે. બિશ્કેકમાં થનાર આગામી SCO નેતૃત્વ સમિટના કાર્યક્રમોમાં 31 ઓગસ્ટે સ્વાગત ભોજન અને બીજા દિવસે સમિટની મુખ્ય બેઠક સામેલ છે, જેમાં વડાપ્રધાન મોદી પોતાનું સંબોધન આપશે. બિશ્કેકમાં સમિટ દરમિયાન કેટલીક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *