17 ફેબ્રુઆરીએ શપથ લેશે તારિક રહેમાન, ભારતને પણ આમંત્રણ, શું વડાપ્રધાન મોદી જશે?

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના પરિણામોમાં તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને પ્રચંડ જીત મળી છે. આ પછી હવે બાંગ્લાદેશની રાજનીતિમાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના જણાવ્યા પ્રમાણે, પાર્ટીના ટોચના નેતા તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે.

હવે BNPએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહને આંતરરાષ્ટ્રીય ફ્લેવર આપવાનો નિર્ણય લીધો છે. માહિતી પ્રમાણે, ભારત અને ચીન સહિત કુલ 13 દેશોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જે દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, યુએઈ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ, ભૂટાનના નામ સામેલ છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે શું વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે? ચાલો જાણીએ.

વડાપ્રધાન મોદી આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે, એવી સંભાવના ઓછી છે, કારણ કે 17 ફેબ્રુઆરીએ તેમની મુંબઈમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત થવાની છે. માહિતી પ્રમાણે, બાંગ્લાદેશના આગામી વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં નવી દિલ્હી તરફથી કોઈ એક સિનિયર અધિકારી સામેલ થઈ શકે છે.

અગાઉ શુક્રવારે વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે ફોન પર વાત કરી હતી અને BNP ચીફને બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રચંડ જીત બદલ અભિનંદન આપ્યા હતા. ફોન પર વાત કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘મેં બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાના તેમના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ અને સમર્થન આપ્યું.’ તેમણે આગળ કહ્યું – ‘ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા બે નજીકના પડોશી તરીકે, મેં બંને દેશોના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની સતત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *