ઈરાનમાં વિદ્રોહ દરમિયાન લાશોના ઢગલા:તેહરાનમાં 217 લોકોના મોતનો દાવો

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે રાત્રે જેમ જેમ પ્રદર્શનો તેજ બન્યા, ઘણી જગ્યાએ સુરક્ષા દળોએ ગોળીબાર શરૂ કરી દીધો.

ટાઈમ મેગેઝિન અનુસાર, તેહરાનના એક ડોક્ટરે નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે રાજધાનીની માત્ર છ હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાં મોટાભાગના મોત ગોળી વાગવાથી થયા છે.

આ દરમિયાન સરકાર તરફથી કડક ચેતવણીઓ આપવામાં આવી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે સરકાર ઉપદ્રવીઓ સામે ઝૂકશે નહીં. તેહરાનના સરકારી વકીલે કહ્યું કે પ્રદર્શનકારીઓને મોતની સજા પણ થઈ શકે છે.

રિવોલ્યુશનરી ગાર્ડ્સના એક અધિકારીએ સરકારી ટીવી પર માતા-પિતાને કહ્યું કે, તેઓ પોતાના બાળકોને પ્રદર્શનોથી દૂર રાખે અને જો ગોળી વાગે તો ફરિયાદ ન કરવી.

રિપોર્ટ અનુસાર, પહેલા કેટલાક દિવસો સુધી તે સ્પષ્ટ નહોતું કે સરકાર શું વલણ અપનાવશે. ખુદ એન્ટી રાઈટ્સ પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોમાં ભારે મૂંઝવણ છે. કોઈને બરાબર ખબર નથી કે આગળ શું થવાનું છે. પરંતુ શુક્રવારે સામે આવેલી લોહિયાળ તસવીરો અને કડક નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું કે હવે પૂરી તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા સરકારે દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ લગભગ બંધ કરી દીધી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી હતી કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો ઈરાની સરકારને તેની મોટી કિંમત ચૂકવવી પડશે.

નિષ્ણાતોનું કહેવું છે કે હવે જ્યારે પ્રદર્શનો મધ્યમ વર્ગના વિસ્તારો સુધી ફેલાઈ ગયા છે, ત્યારે સરકાર નિર્દયતાથી કાર્યવાહી કરતા અચકાશે નહીં. તેમનું માનવું છે કે આવનારા દિવસોમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.

ઈરાન પહેલાથી જ ઈઝરાયેલ સાથેના સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, અર્થવ્યવસ્થા, વીજળી અને પાણીની અછત જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. સરકારમાં પણ મતભેદો છે. રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન જાહેરમાં નરમ વલણ અપનાવી રહ્યા છે, પરંતુ તેમના ઘણા મંત્રીઓ કડક કાર્યવાહીના પક્ષમાં છે. સરકારનો આરોપ છે કે અમેરિકા અને ઈઝરાયેલ આ પ્રદર્શનોને હવા આપી રહ્યા છે.

પ્રદર્શનકારીઓમાંથી કેટલાક લોકો પૂર્વ શાહના પુત્ર રઝા પહેલવીના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે, જેમણે વિદેશથી પ્રદર્શનો તેજ કરવાની અપીલ કરી છે. કુર્દ વિસ્તારોમાં પણ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઘણા પ્રદર્શનકારીઓનું કહેવું છે કે હવે તેમની પાસે ગુમાવવા માટે કંઈ જ બચ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *