Panchmahal: પ્રેમપ્રકરણમાં ભૂવાએ પ્રેમિકાને પતાવી દીધી, પરિણીતાએ સાથે રહેવા જીદ કરતા મોતને ઘાટ ઉતારી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડીમાંથી બે દિવસ પહેલાં કુડલા ગામના રંજન પટેલનો મૃતદેહ મળ્યો હતો. આજે (28 માર્ચે) પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આ હત્યા માતરીયા ગામના ભુવા દિલીપ ડામોરે કરી હતી. 32 વર્ષીય પરિણીતાએ પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા જીદ પકડી હતી. જેથી સાથે રહેવા ન માંગતા પ્રેમીએ બાધાના બહાને જંગલમાં બોલાવી, ગળું દબાવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બે દિવસ પહેલાં ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડી પાસેથી 32 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ રંજનબેન કેવળભાઈ પટેલ તરીકે થઈ હતી. રાત્રે આઠ વાગ્યે રંજનબેને તેના ભાઈ સંજયકુમાર પટેલ સાથે છેલ્લી વાત કરી હતી. સવારે તેના પતિ કેવળભાઈ મહાસુખભાઈ બે બાળક સાહિલ અને રયાંસને લઈને મહિલાના પિયર સંજયકુમારના ઘરે આવ્યા હતા. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ રંજનબેનનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની પાસે શ્રીફળ અને ફૂલના હારનો ટુકડો મળી આવ્યો હતો. મૃતદેહના મોઢા અને ગરદનમાંથી લોહી નીકળેલું જોવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ, એક વર્ષ પહેલા રામાપીરના પાટ દરમિયાન રંજનબેન અને તેમના પતિ કેવળભાઈ મહાસુખભાઈ આરોપી દિલીપના ઘરે આવતા-જતા હતા. આ દરમિયાન રંજનબેન અને ભુવા દિલીપ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને ફોન પર વાતચીત કરતા અને રાત્રે કુડલા અને ડુમેલાવ ગામના જંગલમાં મળતા હતા. છેલ્લા એક મહિનાથી રંજનબેનનો તેમના પતિ સાથે અણબનાવ હતો. જેથી તેઓ પ્રેમી દિલીપ સાથે રહેવા માંગતા હતા. પરંતુ, દિલીપને આ મંજૂર ન હતું. આથી તેણે રંજનબેનને બાધા પૂરી કરવાના બહાને ડુમેલાવ ગામે બોલાવ્યા. ત્યાં તેણે પોતાના ઘરેથી લાવેલા સાયકલના બ્રેક વાયરનો ગાળિયો બનાવી તેમની હત્યા કરી નાખી હતી.

ડી.વાય.એસ.પી એન. વી. પટેલે જણાવ્યું હતું કે આરોપીને મૃતક મહિલા સાથે પ્રેમસબંધ હતો. જોકે તે પરિણીત હોવાથી મહિલા સાથે રહેવા માગતો નહોતો, પરંતુ, મહિલા તેના પતિને છોડીને આરોપી સાથે રહેવા વારંવાર જીત કરતી હતા, જેથી તેનાથી કંટાળીને આરોપી ભૂવાએ તેને રાત્રે મળવાના બહાને બોલાવી ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. આરોપી વ્યવસાયે ભૂવો હોઈ, વિધિ માટે શ્રીફળ અને ફૂલનો હાર વગેરે વસ્તુઓ પોતાની સાથે લઇને ફરતો હતો. જોકે કોઇ વિધિ કરીને હત્યા કરવામાં આવી હોય એવું તપાસમાં બહાર આવ્યું નથી.

આ પણ વાંચો, Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *