‘ઓપરેશન મોનસૂન’ શરૂ: ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ સામે AMCનું યુદ્ધસ્તરે એક્શન

ચોમાસાના વરસાદ સાથે જ ચાંદીપુરા વાઈરસ અને ડેન્ગ્યુનો ખતરો વધવાની આશંકાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સમગ્ર શહેરમાં ‘ઓપરેશન મોનસૂન’ શરૂ કર્યું છે. મચ્છરજન્ય અને વાઈરલ રોગચાળો ફેલાય તે પહેલાં જ તેના પર કાબૂ મેળવવા આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં સર્વેલન્સ, લાર્વા ડિસ્ટ્રક્શન, ફોગિંગ અને ફીવર મોનિટરિંગને યુદ્ધનાં ધોરણે તેજ કરી દીધું છે. રાજ્યના આરોગ્યવિભાગ દ્વારા પણ ખાસ ચાંદીપુરા વાઇરસની તપાસ માટે પણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.
ખાસ કરીને રાજ્યમાં અગાઉ ચાંદીપુરા વાઈરસના કેસ સામે આવ્યા બાદ અમદાવાદમાં બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલને શંકાસ્પદ કેસની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે બાળરોગ નિષ્ણાતોને પણ એલર્ટ મોડમાં રહેવા સૂચવાયું છે.
આરોગ્ય વિભાગનાં સૂત્રનાં જણાવ્યા મુજબ દરરોજ શહેરના વિવિધ વિસ્તારમાં આરોગ્ય ટીમ ઘરે-ઘરે પહોંચી પાણી ભરાયેલાં સ્થળોની તપાસ કરી રહી છે. કૂલર, ઓવરહેડ ટાંકી, ફૂલદાની, જૂનાં ટાયર, બાંધકામ સાઇટ અને અન્ય સ્થળોએ મચ્છરના લાર્વા જોવા મળે તો તાત્કાલિક તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. સાથે જ જ્યાં જરૂર હોય ત્યાં ફોગિંગ અને એન્ટિ- લાર્વાલ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
માત્ર રહેણાક વિસ્તાર જ નહીં, પરંતુ શાળા, આંગણવાડી, હોસ્પિટલ, બગીચા, બજાર અને જાહેર સ્થળને પણ આરોગ્ય વિભાગના રડાર પર રાખવામાં આવ્યાં છે. શહેરના તમામ ઝોનમાં દૈનિક સમીક્ષા કરીને સંવેદનશીલ વિસ્તારમાં વધારાની ટીમ તહેનાત કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુ અને મેલેરિયાના સંભવિત કેસને વહેલી તકે શોધી શકાય તે માટે ફીવર સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. તાવના દર્દીનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે અને જરૂરી હોય ત્યાં રક્તના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલને પણ કેસની માહિતી નિયમિત રીતે શેર કરવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન શહેરમાં વિશેષ મોનિટરિંગ ચાલુ રહેશે. રોગચાળો ફેલાય તે પહેલાં જ તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જરૂર પડ્યે વધુ ટીમ મેદાનમાં ઉતારવામાં આવશે.