SG હાઈ-વે પર વાહનચાલકોને મોટી રાહત: પેલેડિયમ બાદ હવે કારગિલ ચાર રસ્તા પણ સિગ્નલ ફ્રી, ટ્રાફિક સમસ્યા હળવી કરવા નવો પ્રયોગ

એસજી હાઈવે પર વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અને અસરકારક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પેલેડિયમ મોલ ચાર રસ્તા ખાતે ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’ ની શાનદાર સફળતા બાદ, હવે કારગિલ ચાર રસ્તાને પણ સિગ્નલ ફ્રી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ૧૫ દિવસ પહેલાં એસજી હાઈવે પર આવેલા પલેડિયમ મોલ ચાર રસ્તાનાં સિગ્નલ બંધ કરીને ટ્રાફિક નિયમન માટે કેપ્સ્યૂલ ફોર્મ્યુલા શરૂ કરવામાં આવી હતી. આ પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે.

હાલ પેલેડિયમ જંક્શન પરથી રોજના સરેરાશ 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાના જણાવ્યા અનુસાર, પેલેડિયમ પાસે કેપ્સ્યૂલ ફોર્મ્યુલાનો અમલ શરૂ કર્યો તે પહેલાં વાહનોએ સિગ્નલ પર 2 મિનિટ સુધી ઊભા રહેવું પડતું હતું. પરંતુ આ નવી સિસ્ટમને કારણે હવે વાહનોનો વેઇટિંગ ટાઇમ 2 મિનિટથી ઘટીને 1 મિનિટ થઈ ગયો છે. દરેક વાહનચાલકની 1 મિનિટ બચવાની સાથે મોટા પ્રમાણમાં ઈંધણની પણ બચત થઈ રહી છે.

કારગિલ ચાર રસ્તા પર આજથી અમલ શરૂ
પેલેડિયમની સફળતા બાદ હવે રોજનાં 50 હજારથી વધુ વાહનોજ્યાથી પસાર થાય છે, તેવા કારગિલ ચાર રસ્તાને પણ સિગ્નલ ફ્રી કરવામાં આવી રહ્યા છે. પોલીસે AMC ની મદદથી કારગિલ ચાર રસ્તા પર બ્રિજ નીચે ડામરનો રોડ બનાવી દીધો છે અને ત્યાં બેરિકેડ મૂકીને પ્રાયોગિક ધોરણે મંગળવાર સવારથી કેપ્સ્યૂલ ફોર્મ્યુલાનો અમલ શરૂ કરાશે.

શું છે આ સિગ્નલ ફ્રી ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’?
આ સિગ્નલ ફ્રી યુ-ટર્ન મોડલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે વાહનો ક્યાંય સામસામે ટકરાતાં નથી અને ટ્રાફિક સતત ચાલતો (Moving) રહે છે. 

સીધો જતો ટ્રાફિક

  • આડો કે ઊભો રોડ, બંને તરફથી સીધાં જતાં વાહનોએ ક્યાંય ઊભા રહેવાનું નથી. તેઓ કેપ્સ્યૂલની બાજુમાંથી સીધા જ પસાર થઈ જશે, જેથી ટ્રાફિક ક્યાંય સામસામે ટકરાશે નહીં.

જમણો વળાંક

  • જો તમારે ચાર રસ્તાથી જમણી બાજુએ વળવું હોય, તો તમે સીધા ક્રોસ નહીં કરી શકો. તેના બદલે કેપ્સ્યૂલ ડિવાઇડરની ડાબી બાજુથી થોડું આગળ જઈ, કેપ્સ્યૂલના છેડેથી ‘યુ-ટર્ન’ (U-Turn) લઈને જે-તે રોડ પર ભળવાનું રહેશે.

ડાબો વળાંક

  • ડાબી બાજુનો રસ્તો હંમેશાં ફ્રી જ રહે છે, જેથી ડાબી બાજુએ વળનારાં વાહનોને કોઈ જ નડતર થતું નથી.

આ મોડલ દેશનાં અન્ય 5 શહેરોમાં પણ સાબિત થયું છે સફળ
અમદાવાદ પહેલાં દેશનાં અન્ય મોટા શહેરોમાં પણ આ ફોર્મ્યુલા ટ્રાફિક ઘટાડવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે.

  • કોટાઃ 12 કિમીના ઝાલાવાડ રોડ પર આ મોડલ લાગુ થવાથી મુસાફરીનો સમય 20 ટકા સુધી ઘટયો
  • નોઈડા: 24 કિમીના એક્સપ્રેસ વે પર ઓફિસ આવતા-જતા લોકોને પિકઅવર્સમાં જામમાં ફસાવું પડતું નથી
  • પુણે: 14 કિમીના અહમનગર રોડ પર જ્યાં ફિનિક્સ મોલ છે ત્યાં હવે ટ્રાફિક જામની સમસ્યા નથી.
  • હૈદરાબાદઃ હાઈટેક સિટી, માધાપુરના 7 કિમી રોડ પર મોડલ લાગુ, મુસાફરોની રોજ પાંચથી સાત મિનિટ બચે છે.
  • નાગપુર: 5 કિમીથી વધુના વરાહા રોડ પર ક્રોસિંગ બંધ કરાયાં, ટ્રાફિક સરળ થયો.

સફળ કેમ? કારણ કે વાહનોને ક્યાંય ઊભા રહેવું પડતું નથી. ભલે વાહને 100થી 200 મીટર વધુ આગળ જવું પડે, પણ સિગ્નલ પર ઊભા ન રહેવું પડતા સમય અને પેટ્રોલ બંનેની મોટી બચત થાય છે.

આ મોડલની સૌથી મોટી ખાસિયત એ છે કે વાહનચાલકને સિગ્નલની લાલ લાઈટ પર ઊભા રહેવું પડતું નથી. જમણી બાજુ વળવા માટે ભલે વાહને 100થી 200 મીટર વધુ આગળ જવું પડે, પરંતુ સિગ્નલ પર 1 કે 2 મિનિટ સુધી એન્જિન ચાલુ રાખીને ઊભા ન રહેવું પડતું હોવાથી નાગરિકોના સમય અને પેટ્રોલ બંનેની મોટી બચત થાય છે. પરિણામે, ટ્રાફિક સ્મૂથ અને સતત ફરતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *