8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!

દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 8 નવેમ્બર, દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રોની સેવાઓના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમયપત્રક મુજબ, અમદાવાદમાં મેટ્રો સેવા સવારે 6:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી દોડે છે.

GMRC દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સમયપત્રક અનુસાર, અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પર છેલ્લી ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ જતી મેટ્રોની છેલ્લી ટ્રેન સાંજે 7:00 વાગ્યે ઉપડશે. જ્યારે APMCથી કોતેશ્વર રોડ તરફ જતી છેલ્લી ટ્રેન સાંજે 7:08 વાગ્યે દોડશે. APMCથી મહાત્મા મંદિર અને GIFT સિટી તરફ જતી મેટ્રો સેવાઓ સાંજે 6:00 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે. આથી મુસાફરોએ પોતાના ગંતવ્યસ્થાન અને રૂટ પ્રમાણે મુસાફરીનું આયોજન કરવું જરૂરી બનશે.

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની પ્રવૃત્તિમાં વધારો થતો હોવાથી મુસાફરોની સુરક્ષા અને મેટ્રો સંચાલનની સલામતીને પ્રાથમિકતા આપીને GMRC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને મેટ્રો ટ્રેનોનું સંચાલન સુરક્ષિત રીતે થઈ શકે તે હેતુથી અમદાવાદમાં મેટ્રો સેવા સામાન્ય દિવસોની સરખામણીએ વહેલી બંધ રાખવામાં આવશે.

અમદાવાદના મુસાફરો માટે સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ ગાંધીનગરના મુસાફરોને આ ફેરફારની અસર થશે નહીં. દિવાળીના દિવસે ગાંધીનગર મેટ્રો સેવા રાબેતા મુજબના સમયપત્રક અનુસાર ચાલુ રહેશે.

દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારાઓએ છેલ્લી ટ્રેનના સમયમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખવો જરૂરી છે. ખાસ કરીને સાંજના સમયે મુસાફરી કરવાનું આયોજન હોય તો સ્ટેશન પહોંચતા પહેલાં ટ્રેનના સમયની ખાતરી કરી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *