દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કરી પોસ્ટ, કોંગ્રેસ અને AAPને માર્યો ટોણો

દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરૂઆતી પરિણામ જોતાં આમ આદમી પાર્ટીનું સત્તા પર પરત ફરવું અસંભવ લાગી રહ્યું છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર આપેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં ભાજપ 36 બેઠકો પર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી ફક્ત 16 બેઠકો પર આગળ છે. આ પરિણામોને લઈને ઈન્ડિયા એલાયન્સમાં પણ મતભેદ શરૂ થઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ પરિણામ પર ટીકા કરી છે , તેમણે આ હાર માટે ગઠબંધનના અભાવને જવાબદાર ઠેરવીને કટાક્ષ કરતું એક મીમ શેર કર્યું છે જેમાં એક સાધુ કહે છે- “અંદરોઅંદર લડો, એકબીજાને મારી નાખો.” દિલ્હીમાં ગઠબંધન ન કરીને કોંગ્રેસને શું મળ્યું તે માટે દોષ આપવાનો પ્રયાસ કર્યો છે.
ઓમર અબ્દુલ્લાનું માનવું છે કે ખરાબ પરિણામનું કારણ ગઠબંધનનો અભાવ છે, બાકી ભાજપને એક્તાથી હરાવી શકયું હોત.
ઓમર અબ્દુલ્લાની ટિપ્પણી પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, ” અબ્દુલ્લાએ જે કહેવું હોય તે કહેવા દેવું જોઈએ. પરંતુ તેમણે એ પણ સમજવું જોઈએ કે કોંગ્રેસ ચૂંટણી લડવાનું બંધ કરશે નહીં. આ આપણો અધિકાર છે અને લોકશાહીમાં દરેક વ્યક્તિએ ચૂંટણી લડવી જોઈએ.” ચૂંટણીના થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા શરૂ થઈ હતી પરંતુ તે સફળ નીવડી નહીં અને અંતે બંને પક્ષોએ પોત પોતાની રીતે ચૂંટણી લડવાનું પસંદ કર્યું અને આજે પરિણામ સામે છે.