હવે 9 નહીં, 12-12 કલાક સુધી કામ કરવું પડશે! એક્ટમાં ગુજરાત સરકારનો મહત્વનો સુધારો

ગુજરાતમાં ફેક્ટરી એક્ટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા હતી કે, મહિલાઓને રાત્રિના સમયે નોકરી કરવાની છૂટ મળશે. જોકે હવે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ગુજરાત સરકારે કામદારો માટે અને નવી રોજગારીની તકો ઉભી કરવાના આશયથી કામના કલાકોમાં વધારો કર્યો છે, એટલું જ નહીં મહિલાઓને રાત્રિના સમયે પણ કામ કરવાની મંજૂરી આપી છે. આ અંગે કાયદામાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેને વિધાનસભાના આગામી સત્રમાં કાયદાનું સ્વરૂપ અપાશે.

વટહુકમ પ્રમાણે કામના કલાકો 9 થી વધારીને 12 કરવામાં આવ્યા છે. જે સપ્તાહમાં મહત્તમ 48 કલાક છે. જે કિસ્સામાં કામદારો 12 કલાકની શિફ્ટમાં કામ કરે છે ત્યાં છ કલાક સતત કામ કર્યા પછી તેમને 30 મિનિટનો વિરામ આપવો પણ ફરજિયાત છે. રાજ્ય સરકારે ફેક્ટરી એક્ટની જોગવાઇમાં સુધારા કર્યા છે.એક મહત્વપૂર્ણ ફેરફારમાં કેટલીક કડક સલામતી માર્ગદર્શિકાઓને આધીન રાજ્ય સરકાર હવે મહિલાઓને વાણિજ્યિક સંસ્થાઓમાં ચોવીસ કલાક કામ કરવાની પરવાનગી આપશે. શ્રમ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, નવો વટહુકમ લાગુ થયા પછી જો ઉદ્યોગ તમામ જરૂરી સલામતીના નિયમોનું પાલન કરે તો સંમતિ આપતી મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે.

રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં 75 કલાકને બદલે 125 કલાકનો ઓવરટાઇમ આપવાની પણ મંજૂરી આપી છે. કર્મચારીઓ તેમના કામના ઓવરટાઇમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે.આ વટહુકમ સાથે કર્મચારીઓ હવે ચાર દિવસ માટે 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકે છે, જેનાથી ઉદ્યોગને તેમની જરૂરિયાત મુજબ ફ્લેક્સીબલ શિફ્ટ સમય અપનાવવાની મંજૂરી મળે છે.ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ફેક્ટરી (ગુજરાત સુધારો) વટહુકમ 2025 બહાર પાડવામાં આવ્યો છે કારણ કે રાજ્ય સરકાર આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય મહત્વના રોકાણને આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માંગે છે. સરકારે ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી એક વટહુકમ બહાર પાડવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *