માત્ર ભારત નહીં, હવે તો અમેરિકાએ પણ PoKને ગણાવ્યો ભારતનો હિસ્સો, પાકિસ્તાનની ઊંઘ હરામ

ભારત સાથેના ટ્રેડ ડીલ બાદ અમેરિકાએ એક એવું પગલું ભર્યું છે જે પાકિસ્તાનને ચોક્કસ નારાજ કરશે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયે ભારતનો નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં જમ્મુ અને કાશ્મીરના સમગ્ર પ્રદેશને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, તેમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK)નો પણ સમાવેશ થાય છે. આ નકશો અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરાર માટેનું માળખું બહાર પાડ્યા પછી પોસ્ટ કરવામાં આવ્યો છે.

કાશ્મીર મુદ્દા પર વોશિંગ્ટનનું વલણ એવું રહ્યું છે કે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે જેને બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. સપ્ટેમ્બર 2023 માં ભારતમાં તત્કાલીન યુએસ રાજદૂત એરિક ગાર્સેટીએ અમેરિકાના વલણ ફરી કર્યો, અને કહ્યું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય મામલો છે જેનો ઉકેલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત દ્વારા લાવવો જોઈએ.

જોકે, ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર અંગે અનેક નિવેદનો આપ્યા હતા જે વોશિંગ્ટનના અગાઉના વલણથી વિરોધી હતા. ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની સીધી ઓફર કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે “હું એ જોવાનો પ્રયાસ કરીશ કે હજાર વર્ષ પછી કાશ્મીર મુદ્દાનો ઉકેલ મળી શકે છે કે નહીં.”

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​ઓફિસ દ્વારા તાજેતરમાં એક પોસ્ટમાં દર્શાવેલ નકશામાં જમ્મુ અને કાશ્મીરને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આને પાકિસ્તાની પ્રચાર માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ટ્રમ્પને ખુશ કરવામાં લાગેલા છે. શાહબાઝ સરકારે ટ્રમ્પના ગાઝા પીસ બોર્ડમાં જોડાવાનો પણ નિર્ણય લીધો છે, આ નિર્ણયનો પાકિસ્તાનમાં જ વિરોધ થઈ રહ્યો છે.

કાશ્મીર મુદ્દે ભારતનું શું કહેવું છે ?

  • ભારતે વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
  • ભારતનું કહેવું છે, કાશ્મીર પર પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીત ફક્ત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK)ને પાછા આપવાને લઇને જ હશે.
  • ભારતીય સંસદમાં 22 ફેબ્રુઆરી, 1994ના રોજ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો જેમાં જણાવાયું હતું કે જમ્મુ અને કાશ્મીર, જેમાં પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલ પ્રદેશનો સમાવેશ થાય છે, તે ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
  • કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરને દેશના બાકીના ભાગથી અલગ કરવાના કોઈપણ પ્રયાસનો તમામ જરૂરી માધ્યમો દ્વારા પ્રતિકાર કરવામાં આવશે. આ કારણથી 22 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે જમ્મુ અને કાશ્મીર સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *