ગુજરાતના રાજકીય ગલિયારામાં નવી ચર્ચા, કેમ મળ્યા હર્ષ સંઘવી અને નરેશ પટેલ ?

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન હર્ષ સંઘવી વચ્ચે થયેલી મુલાકાતે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. વિધાનસભાની 2027ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને દિગ્ગજોની મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
માહિતી મુજબ, રાજકોટ પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બંને વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય ગલિયારાઓમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2027ની ચૂંટણી પહેલા રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે. આવી સ્થિતિમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલની મુલાકાતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જો કે, નરેશ પટેલે આ મુલાકાતને સંપૂર્ણપણે સામાજિક ગણાવી છે.
મુલાકાત અંગે સ્પષ્ટતા કરતાં નરેશ પટેલે જણાવ્યું કે, હર્ષ સંઘવી મારા ઘરે આવ્યા હતા. આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. માત્ર સામાજિક મુદ્દાઓ પર જ વાતચીત થઈ હતી.
નરેશ પટેલના આ નિવેદન છતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કારણ કે ભૂતકાળમાં પણ નરેશ પટેલનું નામ સક્રિય રાજકારણ સાથે અનેક વખત જોડાતું રહ્યું છે. તેથી બંને વચ્ચેની આ મુલાકાત સામાન્ય હતી કે તેના પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલો છે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે.