ગુજરાતવાસીઓએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, અંબાલાલની આગાહીએ ચોંકાવ્યા

ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે હાલ રાહતના સંકેતો દેખાતા નથી. વાસ્તવમાં હવામાનની હાલની સ્થિતિને જોતા રાજ્યમાં હજુ થોડા દિવસો સુધી ગરમી અને ભેજ વચ્ચેનું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત તરફ આગળ વધી રહેલું ચોમાસું હાલમાં મુંબઈ આસપાસ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અંદાજ મુજબ, રાજ્યમાં વ્યાપક અને સારો વરસાદ શરૂ થવા માટે હજુ થોડો સમય લાગી શકે છે અને 23 જૂન પછી વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે. હાલ ઊંચા તાપમાન અને વાતાવરણમાં જરૂરી ભેજના અભાવને કારણે ચોમાસાની ગતિ પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.અંબાલાલ પટેલના મત મુજબ અરબ સાગર તરફથી પૂરતી સક્રિયતા જોવા મળતી નથી, જેના કારણે ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ મજબૂત બની શકી નથી. બીજી તરફ પૂર્વ ભારત તરફ ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય હોવાનું કહેવાય છે. જો અરબ સાગર અને બંગાળની ખાડી બંને તરફથી અનુકૂળ હવામાન સ્થિતિ ઉભી થશે તો રાજ્યમાં સારા વરસાદની સંભાવના વધી શકે છે.
આ તરફ આગામી દિવસોમાં વેપાર વાયુઓની ગતિ અને વાદળોના વિકાસ પર પણ ચોમાસાની સ્થિતિ નિર્ભર રહેશે. હવામાનના અંદાજ મુજબ જુલાઈ મહિનામાં વાદળોના મોટા સમૂહ ભારત તરફ આગળ વધે તો વરસાદની સ્થિતિ વધુ અનુકૂળ બની શકે છે.
રાજ્યમાં આગામી થોડા દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે, પરંતુ વ્યાપક વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. સાથે જ સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની અસર વધુ સ્પષ્ટ બની શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો બધાની નજર આગામી દિવસોમાં ચોમાસાની ગતિ પર ટકેલી છે.