National Panchayati Raj Day: આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, ગુજરાતની ગ્રામપંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો, PAIમાં ગુજરાત ટોચ પર

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2022-23 માટે તાજેતરમાં પહેલી વાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 24 એપ્રિલે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 1992માં પસાર થયેલા 73મા બંધારણીય સુધારા અધિનિયમની યાદ અપાવે છે. આ કાયદાએ ભારતમાં પંચાયતી રાજ પ્રણાલીની સ્થાપના કરી અને ગ્રામીણ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યને મજબૂત બનાવ્યું. આ સંદર્ભમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની તાજેતરની સિદ્ધિ મજબૂત ગ્રામીણ શાસન અને ટકાઉ ગ્રામીણ વિકાસમાં તેના મજબૂત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.

ભારત સરકારના આ પંચાયત પ્રગતિ સૂચકાંક (PAI)માં દેશભરની કુલ 2,16,285 માન્ય ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની 346 પંચાયતોને ‘અગ્રણી’ અને 13,781 પંચાયતોને ‘વધુ સારું પ્રદર્શન’ કરનારી શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને શ્રેણીઓમાં ગુજરાત દેશમાં મોખરાનું રાજ્ય છે. આ સૂચકાંકમાં, તેલંગાણા 270 ‘અગ્રણી’ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ‘વધુ સારું પ્રદર્શન’ શ્રેણીમાં મહારાષ્ટ્ર 12,242 પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું અને તેલંગાણા 10,099 પંચાયતો સાથે ત્રીજા ક્રમે રહ્યું. આ PAI સૂચકાંકમાં દેશની 2,55,699 ગ્રામ પંચાયતોમાંથી 2,16,285 પંચાયતોએ માન્ય ડેટા રજૂ કર્યો હતો, જેમાંથી 699 પંચાયતો ‘અગ્રણી’, 77,298 ‘વધુ સારું પ્રદર્શન કરનારી’ અને 1,32,392 ‘મહત્વાકાંક્ષી’ પંચાયતો હતી.

PAIના રાજ્ય નોડલ અધિકારી અને ગુજરાતના પંચાયત વિભાગના ઍડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયા (IAS) એ આ સિદ્ધિ માટે રાજ્ય સરકારની વ્યૂહરચના પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ગુજરાતની આ સિદ્ધિ રાજ્યની પાયાના વિકાસ અને ટકાઉ વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સફળતા પાછળ અનેક સમીક્ષા બેઠકો, વિવિધ ક્ષમતા નિર્માણ સત્રો અને તમામ સ્તરે સંકલિત પ્રયાસોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની પંચાયતોએ ડેટા-આધારિત આયોજન અને વિભાગીય સંકલનનું પ્રભાવશાળી ઉદાહરણ રજૂ કર્યું છે. “વિકસિત પંચાયત”ના વિઝનને આધાર બનાવીને રાજ્ય સરકાર પુરાવા-આધારિત સુશાસન દ્વારા વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સતત અગ્રેસર છે.”

પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) દેશની 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોના ટકાઉ વિકાસ લક્ષ્યો (LSDGs)ને અનુરૂપ પ્રગતિને માપવા માટેનું એક વ્યાપક મૂલ્યાંકન સાધન છે. આ સૂચકાંક ગામડાંઓના પાયાના વિકાસનું મૂલ્યાંકન કરવા અને પંચાયતોની ભૂમિકાને મજબૂત બનાવવા તરફ એક મોટું અને ઐતિહાસિક પગલું માનવામાં આવે છે, જેમાં ગરીબી મુક્ત અને સારી આજીવિકા, સ્વસ્થ પંચાયત, બાળ-અનુકૂળ પંચાયત, જળ-પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ અને હરિયાળી પંચાયત, આત્મનિર્ભર માળખાગત પંચાયત, સામાજિક રીતે ન્યાયી અને સલામત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-અનુકૂળ પંચાયત જેવા 9 વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયોનું મૂલ્યાંકન 435 સ્થાનિક સૂચકાંકો અને 566 ડેટા પોઈન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Gandhinagar: રાજ્ય સરકારની ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, વેકેશનમાં વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *