કરોડોના લોન કૌભાંડનો પર્દાફાશ: 20 બોગસ કંપનીઓ બનાવી બેંકોને ચૂનો લગાવનાર મહાઠગ નિલેશ કોઠીયા MPથી ઝડપાયો

વાસણા પોલીસે કરોડો રૂપિયાનું લોન કૌભાંડ આચરનાર એક શાતિર મહાઠગની ધરપકડ કરી લીધી છે. જી હા, છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા મુખ્ય આરોપી નિલેશ કોઠીયા દીપક આહુજાને વાસણા પોલીસે મધ્યપ્રદેશના બેતુલમાંથી દબોચી લીધો છે. ‘ઓપરેશન હોક આઈ’ હેઠળ પોલીસને આ મોટી સફળતા મળી છે. આરોપીએ એક-બે નહીં, પરંતુ પૂરી 20 જેટલી બોગસ શેલ કંપનીઓ બનાવીને બેંકો અને ગ્રાહકો સાથે આશરે સાડા ચૌદ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે.

આ છે તે મહાઠગ નિલેશ ધીરુભાઈ કોઠીયા જેણે બેંકો અને સામાન્ય લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઝોન-7 ડીસીપી શ્રી શિવમ વર્માના સીધા સુપરવિઝનમાં વાસણા પોલીસની ટીમે ટેકનિકલ સોર્સિસની મદદથી આ માસ્ટરમાઇન્ડને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આ ઠગ ટોળકીની જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે.આરોપી નિલેશ કોઠીયા પોતાના સાથીદાર દીપક આહુજા સાથે મળીને લોકોને લોન અપાવવાના બહાને અથવા મોર્ગેજ એજન્ટ તરીકે ફસાવતો હતો. ગ્રાહકોના અસલી દસ્તાવેજો મેળવી, તેના આધારે બોગસ અને ડુપ્લિકેટ કાગળો તૈયાર કરવામાં આવતા હતા. ત્યારબાદ કેટલીક બેંકોના મેનેજરો અને ગેરન્ટરો સાથે મિલીભગત કરીને કરોડો રૂપિયાની લોન પાસ કરાવી લેવાતી હતી. લોન પાસ થયા બાદ આ નાણાં ગ્રાહકોને મળવાને બદલે આરોપીઓએ ઊભી કરેલી બોગસ શેલ કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા.

આરોપીએ રોકાણના નામે ઠગાઈ કરવા માટે ‘ટોશેન ગ્રુપ ઓફ કંપની’ અંતર્ગત ૨૦ જેટલી અલગ-અલગ શેલ કંપનીઓ બનાવી હતી. જેમાં ટોશેન લાઈફસ્ટાઈલ, પ્રોજેક્ટ સિલિકા – આઈપીઓ ટોકન, ક્રિપ્ટો સેમી કોઈન અને સેમિકન્ડક્ટર જેવી હાઈટેક કંપનીઓના નામે મોટું રોકાણ મેળવી છેતરપિંડી આચરવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી આશરે 20 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવ્યા છે. આ સિવાય સેમસંગ કંપનીનું લેપટોપ, 15 જેટલા લક્ઝુરિયસ મોબાઈલ ફોન અને કિયા ક્રેન્સ કાર સહિત કુલ રૂપિયા 3 કરોડ 34 લાખ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી નિલેશ કોઠીયા સામે અગાઉ પણ ચેક રિટર્ન કેસમાં કોર્ટે ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારેલી છે, જેમાં તે ફરાર હોવાથી કોર્ટે તેની મિલકતો જપ્ત કરવાનો પણ આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *