શેર માર્કેટમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ 77,000ને પાર, તો નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

વૈશ્વિક સ્તરે શેરબજારોમાં નબળાઈ જોવા મળી રહી છે, પરંતુ ભારતીય શેરબજારે તેની સામે મજબૂત પ્રદર્શન કર્યું છે. એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. અમેરિકન શેરબજારમાં 0.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટ્યો છે અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 6 ટકાથી વધુ ઘટ્યો છે. આ વૈશ્વિક નબળાઈ વચ્ચે ભારતીય બજારમાં રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહેતા જોરદાર તેજી જોવા મળી રહી છે.

શુક્રવારના કારોબારમાં સેન્સેક્સ 563.44 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 77,750.31 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 138.45 પોઈન્ટ અથવા 0.58 ટકા વધીને 24,211.50 પર પહોંચી ગયો હતો. બેંક નિફ્ટીમાં પણ 274 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં થોડો દબાણ જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ-100 ઇન્ડેક્સ 176.20 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ-100 ઇન્ડેક્સ 117.60 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઈના ટોપના 30 શેરોમાંથી 27 શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે માત્ર સાત શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને IT સેક્ટરમાં ખરીદીનું જોર જોવા મળ્યું હતું. TCS, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરોમાં આશરે 2.57 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત SBI અને ICIC બેંક સહિતના બેંકિંગ શેરોમાં પણ મજબૂતી જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં પણ સારી ખરીદી થતાં બજારને વધુ સપોર્ટ મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં તેજી પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ટેક મહિન્દ્રાના પ્રભાવશાળી ત્રિમાસિક પરિણામો બાદ આઈટી શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી છે. વિપ્રોને બાદ કરતાં મોટાભાગના આઈટી શેરોમાં સારી તેજી નોંધાઈ છે. બીજી તરફ રૂપિયામાં પણ ડોલર સામે મજબૂત રિકવરી જોવા મળી છે. રૂપિયો 4 પૈસા મજબૂત થઈને 96.31ના સ્તરે પહોંચ્યો છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ચાલતો ઘટાડાનો દોર તૂટી ગયો છે. રિલાયન્સ, ટીસીએસ અને એસબીઆઈ જેવા હેવીવેઇટ શેરોમાં ખરીદી વધતા બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો છે. સાથે જ ઓટો ઇન્ડેક્સ, આઈટી સેક્ટર અને બેંકિંગ શેરોમાં પણ રોકાણકારોએ સારી ખરીદી કરી છે.

વ્યક્તિગત શેરોની વાત કરીએ તો એફકોન્સ ઇન્ફ્રાના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. કંપનીનો શેર 8.71 ટકા વધીને ₹311 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એજિસ લોજિસ્ટિક્સના શેરમાં 2 ટકાનો વધારો નોંધાયો હતો. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એચસીએલ ટેકના શેર 3.30 ટકા વધ્યા હતા, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 2.31 ટકાનો વધારો નોંધાયો હતો. ઉપરાંત ગ્રોવ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં પણ આશરે 3 ટકા સુધીની મજબૂતી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં ઘટાડા છતાં ભારતીય શેરબજારે દેખાડેલી આ મજબૂતી રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *