ચંદ્રશેખરન વધુ 5 વર્ષ ટાટા સન્સના ચેરમેન રહેશે:બોર્ડે કાર્યકાળ વધાર્યો

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનો કાર્યકાળ 2032 સુધી લંબાવવામાં આવ્યો છે. ટાટા સન્સ લિમિટેડના બોર્ડે ગુરુવારે 5 વર્ષનો નવો કાર્યકાળ આપવાની મંજૂરી આપી.
હાલમાં ચંદ્રશેખરનનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે અને તેઓ ફેબ્રુઆરી 2027માં નિવૃત્ત થવાના હતા. ચંદ્રશેખરે 12 ઓગસ્ટ 2026ના રોજ રાજીનામું આપી દીધું હતું. તે સમયે નોએલ ટાટા સાથેના મતભેદો અને ટ્રસ્ટમાં ચાલી રહેલી ખેંચતાણ તેનું કારણ બન્યા હતા.
ટાટા ગ્રુપમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ગ્રુપ એક્ઝિક્યુટિવ નિર્ધારિત નિવૃત્તિ વયથી આગળ પોતાના પદ પર કાયમ રહેશે.
ટાટા ગ્રુપની નીતિ મુજબ એક્ઝિક્યુટિવે સામાન્ય રીતે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ. જોકે, નોન-એક્ઝિક્યુટિવ ભૂમિકામાં તેઓ 70 વર્ષની ઉંમર સુધી રહી શકે છે. ચંદ્રશેખરન હાલમાં 63 વર્ષના છે. બીજા કાર્યકાળના અંતે ફેબ્રુઆરી 2027માં તેઓ બરાબર 65 વર્ષના થઈ જશે.
હવે તેઓ 2032માં 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. ચંદ્રશેખરન પહેલીવાર ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં જોડાયા હતા, અને ચાર મહિના બાદ જાન્યુઆરી 2017માં તેમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1987માં TCSમાં ઇન્ટર્ન તરીકે કરી હતી.
ચંદ્રશેખરનની 9 વર્ષની સફર: આવક ₹16.24 લાખ કરોડે પહોંચી
2017માં ચંદ્રશેખરને કમાન સંભાળ્યા બાદ ટાટા ગ્રુપનો વ્યાપ ઘણો વધ્યો છે. ચંદ્રશેખરને ગ્રુપને એવિએશન, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, બેટરી અને ડિજિટલ બિઝનેસ જેવા નવા ક્ષેત્રોમાં એન્ટ્રી કરાવી.
- આવક: નાણાકીય વર્ષ 2020માં ગ્રુપની આવક ₹7.89 લાખ કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026માં વધીને ₹16.24 લાખ કરોડ થઈ ગઈ.
- નફો: ગ્રુપનો નફો ₹32,000 કરોડથી વધીને ₹1.71 લાખ કરોડ થઈ ગયો.
- માર્કેટ કેપ: લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2020ના ₹9.31 લાખ કરોડથી વધીને 2026માં ₹24.39 લાખ કરોડ થઈ ગયું.
ટાટા ગ્રુપ, ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેનો તફાવત જાણો
- ટાટા ગ્રુપઃ ટાટા નામથી ચાલતી અલગ-અલગ કંપનીઓ અને વ્યવસાયોને મળીને ટાટા ગ્રુપ બને છે. જેમ કે- ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર અને એર ઈન્ડિયા.
- ટાટા સન્સઃ ટાટા સન્સ, ટાટા ગ્રુપની મુખ્ય કંપની છે. તે ગ્રુપની મોટી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે અને મોટા નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
- ટાટા ટ્રસ્ટ્સઃ ટાટા ટ્રસ્ટ્સ સામાજિક અને પરોપકારી કાર્યો કરતા ટ્રસ્ટોનું સમૂહ છે. તેની પાસે ટાટા સન્સનો આશરે 66% હિસ્સો છે.