દિલ્હીની ગૂંજ ગુજરાતમાં સંભળાઈ; અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, અમિત ચાવડા-ખેડાવાલાની અટકાયત

NEET પરીક્ષાના પેપર લીક મામલે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનરો અને પ્લોકાર્ડ્સ સાથે જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ઉગ્ર નારાબાજી કરવામાં આવી હતી.
આ દરમિયાન ચાર રસ્તા પાસે પોલીસે રેલીને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું હતું. માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે કેટલાક કાર્યકરો વિરોધ નોંધાવવા માટે પોલીસની ગાડીઓ પર ચડી ગયા હતા. તો બીજી તરફ, પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવાનો પ્રયાસ કરાતાં મહિલા કાર્યકરો રસ્તા પર જ બેસી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાનો કાફલો તૈનાત કરીને અનેક કાર્યકરોની અટકાયત કરી છે.
NEET પરીક્ષામાં થયેલી ગડબડી અને પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસે મોરચો માંડ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં સૂત્રોચ્ચાર લખેલાં બૅનરો અને પ્લેકાર્ડ્સ સાથે રેલીમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે એક મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી.ચાર રસ્તા પાસે પોલીસ અને કાર્યકરો આમને-સામને
વિરોધ પ્રદર્શનને પગલે રાજીવ ગાંધી ભવન બહાર જંગી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ જ્યારે આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાર રસ્તા પાસે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. પોલીસ દ્વારા અટકાયત કરવાનો પ્રયાસ કરાતાં જ આક્રોશિત મહિલા કાર્યકરો રસ્તા પર જ ધરણાં પર બેસી ગઈ હતી. સ્થિતિ એટલી વણસી હતી કે કેટલાક ઉત્સાહી કોંગ્રેસ કાર્યકર્તાઓ અટકાયત માટે લાવવામાં આવેલી પોલીસની ગાડીઓ પર ચડીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
PM મોદી અને અમિત શાહ યુવાનોની માફી માંગે: અમિત ચાવડા
વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાતે જ ભાજપ સરકાર સામે ભારે નારેબાજી કરી હતી. માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશના ભવિષ્ય એવા યુવાનોની માફી માંગે અને તાત્કાલિક ધોરણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે. દિલ્હીમાં રાહુલ ગાંધી અને યુવાનો સાથે પોલીસે જે અયોગ્ય વર્તન કર્યું છે તે જરાય ચલાવી લેવામાં નહીં આવે.
દિલ્હીના પ્રદર્શન બાદ ગુજરાતમાં આંદોલન તેજ
ઉલ્લેખનીય છે કે, ૨૧ જુલાઈએ દિલ્હીમાં પીએમ આવાસ બહાર વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા NEET મુદ્દે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે તેમની અટકાયત કરી હતી અને ત્રણ કલાક બાદ છોડી મુક્યા હતા. દિલ્હીની આ ઘટનાના પડઘા રૂપે હવે ગુજરાત કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈને આરપારની લડાઈ શરૂ કરી દીધી છે.