ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્કારમાં મેઘસવારી પહોંચી હતી.  રાજ્યના કુલ 173 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6 તાલુકામાં 8થી 15.63 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે 19 તાલુકામાં 3થી 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 15.63 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ નાનાપોંઢામાં 11.02 ઇંચ, ચીખલીમાં 9.61 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ અને વાંસદામાં 9.25 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત વલસાડ શહેરમાં 8.31 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં ખેરગામમાં 7.91 ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, વઘઈમાં 7.20 ઇંચ અને ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ પડ્યો છે.

તે સિવાય બારડોલીમાં 5.39 ઇંચ, ઉમરગામમાં 5.24 ઇંચ, ડાંગમાં 5.04 ઇંચ, ગણદેવીમાં 4.72 ઇંચ, પલસાણામાં 4.69 ઇંચ અને સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. અંબિકા વિસ્તારમાં 4.21 ઇંચ, સુબિરમાં 4.13 ઇંચ, ડોલવણમાં 4 ઇંચ, મહુવા અને નવસારીમાં 3.54 ઇંચ, જલાલપોરમાં 3.46 ઇંચ, ઉમરપાડામાં 3.23 ઇંચ, ઉકાઈમાં 3.03 ઇંચ તેમજ હાંસોટમાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, સ્થાનિક નદીઓ અને નાળાઓમાં જળસ્તર વધવા તેમજ વાહનવ્યવહાર પર અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વલસાડ, નવસારી તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. વલસાડમાં આંગણવાડી, તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં પણ આંગણવાડી, શાળાઓ, કોલેજો ઉપરાંત ITIમાં પણ રજા રાખવાનો આદેશ કરાયો છે.  સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં પણ સ્કૂલો, કોલેજો, આંગણવાડી અને ITI બંધ રાખ નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *