ટ્રમ્પની જાહેરાતથી બજાર ગદગદ: સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઉછાળો, ક્રૂડમાં ગાબડુ

એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ગુલાંટ મારતાં ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવે આ અહેવાલની જ અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.
સેન્સેક્સમાં આજે પ્રચંડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ જે ગઈ કાલે 73,832.55 પોઈન્ટ પર ક્લૉઝ થયો હતો તે આજે એકઝાટકે 1000થી વધુ પોઈન્ટની તેજી પર ખુલ્યો હતો. સમાચાર લખવા સુધીમાં આજે સેન્સેક્સે 74,834 ની સપાટી બનાવી હતી જે કુલ 1000થી વધુ પોઇન્ટનો ઉછાળો દર્શાવે છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે નિફ્ટી ગઈકાલે 23,161.60 પોઈન્ટ પર ક્લૉઝ થઈ હતી તે વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે 23,455.95 ની હાઈ સપાટીએ પહોંચી ગઇ હતી. જે નિફ્ટીમાં એક જ દિવસમાં કુલ 294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
સોના-ચાંદીમાં પ્રચંડ તેજી
બીજી બાજુ સોનું જે ગઇકાલે 148932 રુપિયાએ ક્લૉઝ થયું હતું તે આજે સીધું 1668 રૂપિયાના ઉછાળા સાથે 150600 ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો જે ગઈકાલે 5000 કરતા વધારે રૂપિયા તૂટીને 239653 રૂપિયાના લેવલે ક્લૉઝ થઈ હતી તે આજે 244817 ના હાઈ લેવલે પહોંચી હતી. જે દર્શાવે છે કે આજે ચાંદીમાં 5164 રૂપિયાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
બ્રેન્ટ ક્રૂડમાં ભડકો, દુનિયાને રાહત, રૂપિયો પણ મજબૂત
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ જે ગઇકાલે 95 ડૉલરના લેવલે પહોંચી ગયો હતો તે આજે ફરી એકવાર 90 ડૉલરથી નીચે આવે જતાં 88.93 ડૉલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે જે ઓઈલ સંકટ સામે ઝઝૂમતી દુનિયા માટે મોટી રાહતના સમાચાર છે. જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયાની વાત કરીએ તો એ પણ મજબૂત થયો છે. ગઇકાલે એક સમયે 96ની સપાટીની નજીક પહોંચેલો રૂપિયો આજે ફરી એકવાર 95 ના લેવલની આજુબાજુ આવી ગયો છે.