રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

જામનગરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું . વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત કરાવી. રિલાયન્સના ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરી અને નિર્માણાધીન ડેટા સેન્ટર અંગે માહિતી આપી. ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારી સહયોગની તકો અંગે ચર્ચા પણ કરવામાં આવી.
ગુજરાતના જામનગરમાં બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિશાળ પરિસરમાં પહોંચ્યા હતા. અહીં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે અમેરિકાના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. રૂબિયોએ વિશ્વના સૌથી મોટા એક જ સ્થળે આવેલા તેલ રિફાઇનિંગ સંકુલ, વન્યજીવોના બચાવ અને સંરક્ષણ કેન્દ્ર વનતારા તથા રિલાયન્સના નવા ગ્રીન એનર્જી મેન્યુફેક્ચરિંગ હબની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકા ભારત સાથે વેપાર વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. રૂબિયો થોડા કલાકો સુધી જામનગરમાં રોકાયા હતા અને ત્યારબાદ અમેરિકા જવા રવાના થયા હતા.
અંબાણી પરિવારે રૂબિયોનું સ્વાગત કર્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું હતું. રૂબિયોની સાથે તેમનાં પત્ની જીનેટ ડૂસડેબ્સ રૂબિયો પણ હાજર હતાં.
બંને મહેમાનોએ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીના પરિસરની મુલાકાત લીધી હતી અને તેની આધુનિક ટેકનોલોજી, વિશાળ ક્ષમતા તથા એકીકૃત કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમને રિલાયન્સની નવી ઊર્જા ગીગાફેક્ટરીઓ અને નિર્માણાધીન ડેટા સેન્ટરો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, સસ્તો અને વિશ્વસનીય ઊર્જા પુરવઠો, આધુનિક ટેકનોલોજી તથા મજબૂત સપ્લાય ચેઇન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જામનગરને ડીપ-ટેક, નવીનતા અને આધુનિક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની લાંબા ગાળાની યોજના રજૂ કરી હતી.
બેઠકમાં અમેરિકાની કંપનીઓ સાથે પરંપરાગત ઊર્જા અને નવી ઊર્જાના ક્ષેત્રોમાં વેપારી સહયોગની શક્યતાઓ અંગે પણ વિચારવિમર્શ થયો હતો. મુકેશ અંબાણીના મોટા પુત્ર અને જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણી આ દરમિયાન કંપનીના આઈપીઓ (IPO)ની તૈયારીઓ પર નજર રાખી રહ્યા હતા.
ભારતને તેલ રિફાઇનિંગ ક્ષેત્રની મહાસત્તા ગણાવી ચૂક્યા છે રૂબિયો
જામનગર પહોંચવાના એક દિવસ પહેલાં રૂબિયોએ ભારતને કાચા તેલના રિફાઇનિંગ ક્ષેત્રમાં મહાસત્તા ગણાવ્યું હતું. તેમણે ભારતને વેનેઝુએલાથી આવતા કાચા તેલની પ્રોસેસિંગ વધારવાની અપીલ પણ કરી હતી.
અમેરિકા ઇચ્છે છે કે ભારત પશ્ચિમી ગોળાર્ધમાંથી આવતા કાચા તેલનું વધુ પ્રમાણમાં રિફાઇનિંગ કરે અને અમેરિકાનાં ઊર્જા ઉત્પાદનોની ખરીદી વધારે.રિલાયન્સના જામનગર પરિસરમાં દરરોજ આશરે 14 લાખ બેરલ કાચા તેલનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે. અહીં તૈયાર થતું ડીઝલ અને અન્ય રિફાઇન્ડ ઉત્પાદનો ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ મોકલવામાં આવે છે.